Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ભારત માટે સંરક્ષણ અને સુરક્ષા સેક્ટરમાં અમેરિકા તરફથી હાઇ ટેક્નોલોજી પ્રોડક્ટ સેલ્સ મળવાનો માર્ગ મોકળોઃ અમેરિકાએ નિયમોમાં બાંધછોડ કરી

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને STA-1 (સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથરાઇઝેશન-1)નો દરજ્જો આપ્યો છે. ભારતની પહેલા આ દરજ્જો એશિયામાં માત્ર જાપાન અને દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યો છે. આ દરજ્જો મળ્યા પછી ભારત માટે સંરક્ષણ અને સુરક્ષા સેક્ટરમાં અમેરિકા તરફથી હાઇ-ટેકનોલોજી પ્રોડક્ટ સેલ્સ મળવાનો માર્ગ મોકળો બન્યો છે. અમેરિકા તરફથી ભારતને STA-1 દરજ્જો અપાયો તેને ચીનને અપાયેલા જવાબ તરીકે જોવામાં આવે છે. ચીન છેલ્લા બે વર્ષથી ન્યુક્લીયર સપ્લાયર ગ્રુપ (NSG)માં ભારતના પ્રવેશ આડે રોડા નાંખી રહ્યું છે. ચીનનો તર્ક છે કે જ્યાં સુધી ભારત પરમાણું અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી તેને એનએસજીનું સભ્ય નહિ બનાવવું જોઇએ.

 

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ શરત રાખી હતી કે કોઇ પણ દેશને STA-1નો દરજ્જો ત્યારે જ અપાશે કે જ્યારે તે ચાર મુખ્ય સંગઠનો- NSG, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રીજિમ (MTCR), વોસનાર એરેન્જમેન્ટ (WA) અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ (AG)નું સભ્ય હોય.
ટ્રમ્પ શાસને ભારતને STA-1 દરજ્જો આપવા માટે પૂર્વ નિયમમાં છૂટછાટ આપી છે. જ્યારે ભારત એનએસજી સિવાય અન્ય ત્રણ સંગઠનોનું સભ્યપદ ધરાવે છે. ઓબામા વહિવટીતંત્રના આખરી થોડા મહિનાઓમાં એનએસજીનું સભ્યપદ હાંસલ કરવાના પ્રયાસો અસફળ રહ્યા પછી ભારતે અમેરિકાને STA-1ની શરતોમાં છૂટ આપવા જણાવ્યું હતું.

નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ભારત અમેરિકાનું એક મોટું સંરક્ષણ સહયોગી છે. તે MTCR,WA અને AG ગ્રુપ્સમાં પહેલાથી સભ્ય છે. તેથી તેને STA-1નો દરજ્જો આપી શકાય.

(6:41 pm IST)