Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સુપ્રીમ કોર્ટમાં નવો ઇતિહાસ સર્જાયોઃ ૬૮ વર્ષ બાદ એક સાથે ત્રણ મહિલા જજની નિમણુંક કરાઇ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક નવો ઇતિહાસ લખ્યો છે. 68 વર્ષ બાદ એવી તક આવી છે જ્યારે દેશની સર્વોચ્ય અદાલતમાં એક સાથે 3 મહિલા જજ હશે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક સાથે વધારેમાં વધારે 2 મહિલા હાજર રહી છે. મદ્રાસ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનરજીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. 

 

આ પહેલાં ત્રણ વખત બે મહિલા જજ સુપ્રીમ કોર્ટમાં રહી ચૂક્યાં છે. ત્રણેય નવા જજની નિમણૂકના લેટર સોમવાર સુધી જારી થઈ જશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા ૨૫ થશે. જોકે હજુ છ પદ ખાલી છે.
સુપ્રીમના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર સાત મહિલા જજ થઈ ચૂક્યા છે. જસ્ટિસ ઈન્દિરા બેનરજી પહેલાં જસ્ટિસ ફા‌તિમા બીબી, સુજાતા વી. મનોહર, રુમાપોલ, જ્ઞાનસુધા મિશ્રા, રંજના પ્રકાશ દેસાઈ, આર. ભાનુમતી અને ઈન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં જજ બનાવાયાં છે.
જસ્ટિસ આર. ભાનુમતી અને ઈન્દુ મલ્હોત્રા હાલમાં હજુ સુપ્રીમ કોર્ટમાં કાર્યરત છે. આ પહેલાં ત્રણ અવસરે જસ્ટિસ જ્ઞાનસુધા મિશ્રા અને રંજના દેસાઈ, જસ્ટિસ રંજના દેસાઈ અને આર. ભાનુમતી, જસ્ટિસ આર. ભાનુમતી અને ઈન્દુ મલ્હોત્રા એકસાથે સુપ્રીમ કોર્ટમાં રહી ચૂક્યા છે.
જસ્ટિસ ઈન્દિરા બેનરજીને ૫ એપ્રિલ, ૨૦૧૭ના રોજ મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસપદે નિયુક્ત કરાયા હતા. તેમણે જસ્ટિસ કિશન કૌલની જગ્યા લીધી હતી. તેમને સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવ્યા હતા. જસ્ટિસ કાંતાકુમારી ભટનાગર બાદ જસ્ટિસ ઈન્દિરા બેનરજી એવા બીજા મહિલા જજ છે જે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા.
સરકારે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનરજી અને ઉત્તરાખંડ ચીફ જસ્ટિસ જોસેફની સાથે ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનીત શરણને પ્રમોશન આપીને સુપ્રીમમાં મોકલવાની ભલામણને મંજૂરી આપી છે.

(6:38 pm IST)