Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મગફળી કૌભાંડમાં ગુજકેટ-નાફેડના અધિકારીઓની સંડોવણીનો પર્દાફાશઃ ફરીયાદી મગન ઝાલાવડીયા સહિત વધુ ૧૮ની ધરપકડ

ડીઆઈજી સંદીપસિંઘ તથા એસપી બલરામ મીણાની કૌભાંડની તપાસમાં ત્વરીત કામગીરીઃ ભાજપના પદાધિકારી પણ ઝપટેઃ બપોરે જિલ્લા કલેકટર અને એસપીની સંયુકત પ્રેસ કોન્ફરન્સ

રાજકોટ, તા. ૪ :. જેતપુરના પેઢલા ગામના ૪.પ૦ કરોડના મગફળી કૌભાંડમાં મોટી ધાણેજ સહકારી મંડળીના ૩ સભ્યોને જેતપુર પોલીસે ઝડપી લીધા બાદ આ કૌભાંડમાં નાફેડ અને ગુજકોટના અધિકારીઓની પણ સંડોવણી ખુલતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ કૌભાંડમાં ખુદ ફરીયાદી સહિત વધુ ૧૮ શખ્સોને દબોચી લઈ ધરપકડ કરી છે. આ અંગે આજે બપોરે જિલ્લા કલેકટર તથા રૂરલ એસપી બલરામ મીણા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર વિગતો જાહેર કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામે જયશ્રી વેરહાઉસના ગોડાઉનમાં નાફેડ  દ્વારા ખરીદાયેલ મગફળીના જથ્થામાં માટી અને પથ્થરો ભેળસેળ કરાયાના કૌભાંડમાં પોલીસ ફરીયાદ બાદ જેતપુર પોલીસે  મગફળી કૌભાંડમાં સામેલ મોટી ધાણેજ ગામની સહકારી મંડળીના ૩ સભ્યો રામસિંહ ચુડાસમા, જાદવ પીઠીયા તથા ખુમાણ જુંજીયાની  ધરપકડ કરી હતી અને ત્રણેય હાલમાં પાંચ દિ'ના રીમાન્ડ હેઠળ છે.

દરમિયાન ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલ આ મગફળી કૌભાંડમાં રેન્જ ડીઆઈજી સંદીપસિંઘ તથા રૂરલ એસપી બલરામ મીણા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. અલગ અલગ ૭ ટીમો દ્વારા આ કૌભાંડ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાય હતી. જેતપુર પોલીસે ઝડપી લીધેલ મોટી ધાણેજ ગામના સહકારી મંડળીના ૩ સભ્યોએ પોલીસ પૂછતાછમાં વટાણા વેરી નાખ્યા હતા. આ કૌભાંડમાં ખુદ ફરીયાદી સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસીંગ મેનેજર મગન ઝાલાવડીયા તેમજ નાફેડ અને ગુજકોટના અધિકારીઓની સંડોવણી ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી.

રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રૂરલ એસઓજી, રૂરલ એલસીબી તેમજ જેતપુર ડીવાયએસપી જે.એમ. ભરવાડના નેજા તળે કાર્યરત અલગ અલગ ૭ પોલીસ ટીમો દ્વારા આ કૌભાંડમાં સામેલ વધુ ૧૮ શખ્સોને આજે દબોચી લઈ ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ૨૧ શખ્સોની ધરપકડ કરાઈ છે.

મગફળી કૌભાંડમાં ધરપકડ કરાયેલ ૧૮ શખ્સોમાં નાફેડ તથા ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. તેમજ ટંકારા પંથકના ૩ શખ્સોનો પણ સમાવેશ થાય છે. જેમાં નાફેડના એક ઉચ્ચ પદાધિકારીના ભત્રીજાની પણ સંડોવણી ખુલતા તેને પણ દબોચી લેવાયો છે. આ કૌભાંડમાં મોટી ધાણેજ સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીને પણ દબોચી લેવાયાનું બહાર આવેલ છે.

તેમજ આ મગફળી કૌભાંડમાં શરૂઆતથી જ શંકાના પરીઘમાં રહેલ ફરીયાદી સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસીંગ મેનેજર મગન ઝાલાવાડીયાની પણ સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરાઈ છે.

મગફળી કૌભાંડમાં વધુ ૧૮ શખ્સોને દબોચી લેવાતા આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવા બપોરે ૩.૩૦ વાગ્યે જિલ્લા કલેકટર તથા એસપી બલરામ મીણા દ્વારા સંયુકત પ્રેસ કોન્ફરન્સ બોલાવાય છે.(૨-૨૭)

 

(3:46 pm IST)