Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

થાઇલેન્ડ ફરવા જતાં મોટાભાગના ગુજરાતીઓ સાથે ચાલાકીથી થાય છે ચિટીંગ

કઇ કઇ રીતે છેતરાય છે પ્રવાસીઓ ?

મુંબઇ તા. ૪ : બજેટ ઓછું હોય અને વિદેશ ફરવા જવું હોય ત્યારે થાઈલેન્ડ ગુજરાતીઓના લિસ્ટમાં સૌથી ટોપ પર હોય છે. થાઈલેન્ડ જવાના પેકેજ ઘણીવાર તો ગોવાના પેકેજ જેટલા ભાવમાં પણ મળતા હોય છે. થાઈલેન્ડ આમ તો ફરવા માટે ખુબ જ સુંદર દેશ છે, પરંતુ ત્યાં આવતા મોટાભાગના પ્રવાસીઓ અને ખાસ તો ગુજરાતીઓ સાથે ઘણીવાર ચિટિંગ પણ થતું હોય છે. પરદેશ હોવાથી ઠગાઈનો ભોગ બનેલાને ખાસ મદદ પણ નથી મળતી.

થાઈલેન્ડમાં પગ મૂકતા જ તમારી સાથે આ ઠગાઈ થઈ શકે. એરપોર્ટ પર સસ્તામાં ટેકસીની લાલચ આપનારો ડ્રાઈવર અડધે રસ્તે તમારી પાસેથી વધુ પૈસા માગશે. મીટર તૂટેલું છે તેમ કહી ભાડાં કરતાં વધુ પૈસા માગશે. એટલું જ નહીં, જે ભાડું કહ્યું તે તો એક જ વ્યકિતનું હતું, સામાન અને બીજા પેસેન્જરના અલગ એમ કહીને પણ ટુરિસ્ટને લૂંટવામાં આવતા હોય છે. સારું રહેશે કે તમે પ્રિપેડ ટેકસી લો.

થાઈલેન્ડમાં ફરવા માટે એકથી એક સુંદર બીચ છે. કયારેક તો તમને દરિયામાં જેટ સ્કી ચલાવવાની પણ ઈચ્છા થઈ જાય તો અહીં ઢગલાબંધ જેટ સ્કી પણ ઉપલબ્ધ છે. જોકે, આ શોખ પૂરો કરવા જતા ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે. તમે સ્કી ભાડે લો, તેને દરિયામાં ચલાવો ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જયારે પાછું આપવા જાઓ ત્યારે તમે તેને ડેમેજ કરીને લાવ્યા છો તેમ કહી તમારી પાસેથી પૈસા પડાવાય છે. હકીકત એ હોય છે કે તે જેટ સ્કી પહેલાથી જ ડેમેજ હોય છે. જયારે પણ જેટ સ્કી ભાડે લો ત્યારે ધ્યાનથી તેને ચેક કરી લો, અને તે ડેમેજ હોય તો પહેલાથી જ તેના માલિકને તે બતાવી દો.

જેટ સ્કી સ્કેમની માફક જ આ સ્કેમ ચાલે છે, પરંતુ જો તમે તેનો ભોગ બન્યા તો તમારે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તમે વાહનને ડેમેજ કરીને લાવ્યા છો તેવું કહીને તમને લૂંટનારા કયારેક તો મોટો દાવ પણ કરે છે. તમે કયાંક બાઈક પાર્ક કરો અને તેનાથી દૂર જાઓ તે જ વખતે તે ભાડે આપનારી કંપનીનો કર્મચારી બીજી ચાવી લઈ આવે અને બાઈક ત્યાંથી ઉડાવી જાય, અને પછી તમારી પાસેથી વાહનના પૈસા માગવામાં આવે. માટે બાઈક હોટેલવાળા જ અરેન્જ કરી આપે તે રીતે ભાડે લેશો તો વધુ ફાયદામાં રહેશો.

થાઈલેન્ડ જેટલું વિખ્યાત છે, તેટલું બદનામ પણ. અહીં પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ પર તમને કોઈ સુંદર છોકરીનો ભેટો થઈ જાય તો તેની સાથે દોસ્તી ન કરશો. તે તમને વાતોમાં ભોળવી તમને કોઈ બારમાં ડ્રિંક કરવા લઈ જશે. તમારી સાથે બે-ત્રણ પેગ લગાવશે, અને બિલ આવશે ત્યારે ગાયબ થઈ જશે. બિલની રકમ જોઈને તમારી આંખો ફાટી જશે, કારણકે તે હજારોમાં હશે. જો બિલ આપવામાં આનાકાની કરશો તો બાઉન્સરો તમને ઘેરી લેશે, અને તમારી પાસે કોઈ ઓપ્શન જ ન નહીં બચે.

પોતાની સેકસ ઈન્ડસ્ટ્રીને લીધે બદનામ થાઈલેન્ડ તેના જ લીધે મોટી સંખ્યામાં ટુરિસ્ટોને આકર્ષે પણ છે. જોકે, પોતાના આવા શોખને પૂરા કરવા જતા લોકો મોટાભાગે ઠગાતા જ હોય છે. કોલગર્લ બનીને આવેલી છોકરી તમને ડ્રિંકમાં એવું કંઈક પીવડાવી દે કે તમે સીધા સવારે જ ઉઠો, અને ઉઠો ત્યારે ખબર પડે કે તે તમને ખંખેરી ગઈ છે. કયારેક તો છોકરીને બદલે લેડી બોય પણ મોકલી દેવાય છે, અને તમે આનાકાની કરો તો તમારી સાથે ઝઘડો કરવામાં આવે છે.

થાઈલેન્ડમાં ઘણા રેડ લાઈટ એરિયા છે. જેમાં થતાં સેકસ શો જોવા માટે કેટલાક શોખીન ટુરિસ્ટો જતા હોય છે. અહીં કેટલાક બાર પણ હોય છે, જેમાં સસ્તામાં ડ્રિંકની લાલચ આપી ટુરિસ્ટને લઈ જવાય છે. અહીં લેડી ડ્રિંક પણ મળતું હોય છે, જયાં તમારા ટેબલ પર ખૂબસૂરત છોકરીઓ બેઠેલી હોય છે, જે તમારી સાથે ડ્રિંક કરતી હોય છે. જોકે, બિલ આવે ત્યારે ખબર પડે છે કે તમારી સાથે જે છોકરીઓ બેઠી હતી તેનું બિલ પણ તમારે જ આપવાનું છે.

તમે ફરી રહ્યા હો ત્યારે કોઈ પોલીસકર્મી આવીને તમારી પાસેથી તમારો પાસપોર્ટ જોવા માગશે, અને વિઝામાં કોઈ ભૂલ હોવાનું જણાવી તમને મોટો દંડ ભરવા માટે કહેશે. આવું થાય ત્યારે પોલીસકર્મી પાસે તેનું આઈકાર્ડ માગો, જો તમારો પાસપોર્ટ અને વિઝા ઓકે હોય તો સીધો જ પોલીસને ફોન કરી દો. કયારેક તો અસલી પોલીસ પણ આવી રીતે તોડ કરતા હોય છે, તેમનાથી ડરો નહીં અને તેમને પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરવાની ધમકી આપો.

થાઈલેન્ડમાં આવતા ટુરિસ્ટ ત્યાંની લોકલ કરન્સી ખરીદવા જાય ત્યારે તેમની સાથે મોટું ચિટિંગ થઈ શકે છે, અને તે છે નકલી નોટોનું. નકલી નોટોનો કાગળ તેમજ પ્રિન્ટિંગ સાદા પેપર પર કાઢેલી પ્રિન્ટ હોય તેવો ઉતરતી કક્ષાનો હોય છે, જયારે અસલી નોટની કવોલિટી ઘણી ઉંચી હોય છે. આ વાત ધ્યાનમાં રાખી તમને મળેલી નોટો નકલી તો નથીને તે ખાસ ચેક કરી લેજો.

થાઈલેન્ડમાં તમે જાતે કપડાં નહીં ધૂઓ તે તો સ્વાભાવિક છે, પરંતુ તમારા મોંઘા અને બ્રાન્ડેડ કપડાં ગમે ત્યાં લોન્ડ્રીમાં આપતા પહેલા વિચરજો. શકય છે કે તમારા કપડાં પાછા જ નહીં આવે. વળી, લોન્ડ્રીવાળો તમને સોરી સિવાય બીજું કંઈ કહેશે પણ નહી. એટલું જ નહીં, તે તમને કોઈ એવી દુકાનમાં લઈ જશે કે જયાં તેને પોતાને પણ કમિશન મળતું હોય. તમે જે હોટેલમાં રોકાયા છો ત્યાં જ કપડાં ધોવા આપો કે તેમને પૂછીને કોઈ લોન્ડ્રીવાળાને આપો તે વધુ સારું રહેશે.

થાઈલેન્ડમાં એવી ઘણી જેમ શોપ્સ આવેલી છે કે જેમાં રત્નો વેચાતા હોય છે. આ રત્નો ચમત્કારિક છે અને તે તમને માલામાલ બનાવી શકે છે, તેના પર ખાસ વિધિ કરાઈ છે તેવા દાવાઓ કરીને અહીં આવતા ટુરિસ્ટને ઉલ્લુ બનાવાય છે. કોઈ સેલિબ્રિટિએ પહેરેલા રત્નનો ફોટો પણ બતાવાય છે. જોકે, મોંઘાભાવે આવા રત્ન વેચવાનો ફાયદો દુકાનદારને જ થતો હોય છે, તેને ખરીદનારા ગ્રાહકને નહીં.

કેટલાક રિક્ષાવાળા તમને એમ કહેશે કે આજે ટુરિસ્ટ ડે હોવાથી સસ્તામાં રિક્ષા મળશે. તેઓ જે ભાવ કહે તે એટલા ઓછા હોય છે કે તમે તરત જ લલચાઈ જાઓ. જોકે, આ રિક્ષાવાળા તમને એવી જગ્યાઓ પર તમારા કહ્યા વગર જ શોપિંગ કરવા લઈ જશે કે જયાં તેમને કમિશન મળતું હોય. આ જગ્યાઓ પર તમારો ઘણો સમય વેડફાશે, અને તમને જબરજસ્તી વસ્તુઓ પધરાવી તમારી પાસેથી પૈસા પડાવાશે. સારું રહેશે કે તમે આવા રિક્ષાવાળાથી દૂર જ રહો.

થાઈલેન્ડમાં કેટલાક પ્લેસ બેંગકોકથી દૂર પણ આવેલા છે, જયાં જવા તમારે આખી રાત ટ્રેન, બસ કે કેબમાં મુસાફરી કરવી પડી શકે છે. થાઈલેન્ડમાં રાતની મુસાફરી દરમિયાન પેસેન્જરના સામાનની ચોરી થવી ખૂબ જ સામાન્ય છે. વધુ પડતા ફ્રેન્ડલી બનતા લોકોથી દૂર રહો, તેઓ કંઈ ખાવા કે પીવા આપે તો તેમને ચોખ્ખી ના કહી દો તેમાં જ તમારી સલામતી છે.

તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય તો પણ રેલવેના અધિકારી જેવો દેખાતો કોઈ ઠગ આવી તમને એવું કહી ડરાવશે કે ટ્રેન આખી ફુલ થઈ ગઈ છે, તમે ટિકિટ કેન્સલ કરાવી દો. તેના બદલામાં તે તમને સસ્તામાં ટેકસી અપાવવાનું પણ પ્રોમિસ આપશે. તમે ટિકિટ કેન્સલ કરાવશો તેનો મોટો કેન્સલેશન ચાર્જ તમારે ભરવો પડશે, અને ટેકસી પણ તમને મોંઘી પડશે જેમાં તે ગઠિયો મોટું કમિશન મારી જશે.

તમે ટુક ટુક (થાઈલેન્ડમાં રિક્ષાને ટુક ટુક કહેવાય છે)માં કયાંક જઈ રહ્યા છો, ડ્રાઈવર બાથરુમ જવાનું કહી પાંચેક મિનિટ ગાયબ થઈ જાય છે, અને તે વખતે કોઈ વ્યકિત તમારી પાસે આવીને તમને વાતોમાં વળગાડે છે, અને નજીકમાં જ એક ટેલર મફતના ભાવે અફલાતૂન ફેબ્રિકમાં કપડાં સીવી આપે છે તેમ કહે છે. ડ્રાઈવર પાછો આવે ત્યારે તે વ્યકિત તમને તે દુકાને લઈ જાય છે, અને તમને કપડાં બતાવી તે તમારા માપ પ્રમાણે સીવી તમારા દેશમાં ડિલિવરી કરવાનું પ્રોમિસ આપી પૈસા લઈ લે છે. જોકે, તે કપડાં કયારેય કોઈને ડિલિવર થતાં જ નથી.

આ સિવાય તમારા પર કબૂતરની ચરક પડી છે તેમ કહીને પણ તમારું ખિસ્સું કાપી લેવાય છે. તમને કોઈ પક્ષીને દાણા ખવડાવવા આપે તો તેને પણ ચોખ્ખી ના પાડી દો. ભીડભાડવાળા સ્થળો પર ખિસ્સાકાતરુંથી પણ ખાસ તકેદારી રાખવી. પાસપોર્ટ બને ત્યાં સુધી બધી જગ્યાએ સાથે લઈને ફરવાનું ટાળો. હોટેલ નક્કી કરતા પહેલા પણ ખાસ તકેદારી રાખવી જરુરી છે.(૨૧.૨૪)

(3:45 pm IST)