Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

UIDAI કે ટેલિકોમ કંપનીઓ નહીં ગુગલની ભૂલથી બધા મોબાઇલમાં આવ્યો હેલ્પલાઇન નંબર

યુઝર્સ ચિંતા ન કરે એન્ડ્રોઇડ એકમદ સેફ છે હેકિંગની શકયતા નથી

નવી દિલ્હી તા. ૪ : પાછલા બે દિવસથી સોશિયલ મીડિયામાં એક સવાલ ઉઠી રહ્યો છે કે તમારો મોબાઈલ કેટલો સુરક્ષિત કેમ કે તમારી જાણ બહાર જ જો મોબાઇલમાં કોઈ અજાણ્યો વ્યકિત નંબર સેવ કે ડીલિટ કરી શકે તેવું થાય તો તમે પણ મુંઝાઈ તો જાવ જ. હા, આવું થાય જ છે. જો તમને હજુ સુધી ખબર ન પડી હોય તો તમારો એન્ડ્રોઈડ ફોન ચેક કરી લો UIDAIનો હેલ્પ લાઈન નંબર ઓટોમેટિક સેવ થઈ ગયો હશે. આ ઘટના બાદ પહેલા બધાને લાગ્યું કે આધાર ઓથોરિટીએ આ નંબર સેવ કર્યો હશે. જે બાદ તેમણે સ્પષ્ટતા કરી કે અમે નથી કર્યો કે નથી કોઈ ટેલિકોમ કંપનીને આવું કરવા માટે કહ્યું. તો પછી કઈ રીતે આવ્યો આ નંબર?

આ બધી અસમંજસ વચ્ચે એન્ડ્રોઈડની પેરેન્ટ કંપની ગૂગલ મોડી રાતે સ્પષ્ટતા સાથે સામે આવી કે તેમની ભૂલના કારણે આ તમામ એન્ડ્રોઈડ ફોનમાં આ નંબર સેવ થઈ ગયો છે. ગૂગલના કહેવા મુજબ હેલ્પ લાઈન નંબર ૧૮૦૦-૩૦૦-૧૯૪૭ એન્ડ્રોઇડ ફોન્સમાં ૨૦૧૪માં જ કોડ કરવામાં આવ્યો હતો. એ વાત અલગ છે કે મોટાભાગના યુઝર્સ હવે પોતાનો ફોન આ માટે ચેક કરીને નંબર જોઈ રહ્યા છે.

ગૂગલના પ્રવકતાએ કહ્યું કે, 'ઘટના સામે આવ્યા બાદ અમે કરેલી સમીક્ષામાં એ વાત સામે આવી છે કે વર્ષ ૨૦૧૪માં UIDAI હેલ્પલાઈન અને આપત્ત્િ। હેલ્પલાઈન નંબર ૧૧૨ અજાણતા એન્ડ્રોઈડ સેટઅપ વિઝર્ડમાં ફીડ થઈ ગયા હતા અને ભારત માટે ફોન નિર્માણ કરતી કંપનીઓ માટે આને જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ બંને નંબર યુઝર્સના કોન્ટેકટ લિસ્ટમાં છે.'

જો યુઝર્સે આ દરમિયાન મોબાઈલ ચેન્જ કર્યો હશે તો પણ ગૂગલ બેકઅપ દ્વારા જૂના નંબરની સાથે આ નંબર પણ ટ્રાન્સફર થઈને તમારા નવા મોબાઈલમાં આવી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, 'અમે આ બાબતને લઈને લોકમાં ફેલાઈ રહેલી ચિંતા અને ભયને સમજીએ છીએ પરંતુ લોકોને અમે વિશ્વાસ અને ભરોસો અપાવા માગીએ છીએ કે આ કોઈ હેકિંગ કે પછી ગેરકાયદેસર રીતે એન્ડ્રોઈડ ફોન એકસેસ કરવાનો મામલો નથી.' તેમણે વધુમાં કહ્યું કે ગૂગલ સેટઅપ વિઝર્ડની આગામી રિલીઝમાં આ ફિકસ કરવા અંગે કામ કરી રહ્યું છે. મોબાઈલ નિર્માતા કંપનીઓને કેટલાક સપ્તાહમાં આ નવું વિઝર્ડ સોંપવામાં આવશે.(૨૧.૬)

 

(11:58 am IST)