Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જૈન સાધુને મહિલાઓ એકલી નહીં મળી શકેઃ મહીલાઓએ પાંચ હાથ દુરથી દર્શન કરવાઃ એક સંઘ એક આચાર્યઃ સંતો એકલ વિહારી ન બને

દિગંબર જૈન સમાજના સંઘોની બેઠકમાં સાધુઓ માટે નવા નિયમોને સ્વીકૃતિ

નવી દિલ્હીઃ જૈન મુનિ નયનસાગરજીના વિડીયો વાયરલ પ્રકરણ બાદ ત્રણ દિગંબર જૈન સંઘોની મીટીંગ યોજાઈ હતી. જેમાં એકલા વિહાર કરતા મુનિઓને ભારતભરમાં કોઈ જૈન સમાજ પ્રશ્રય નહીં આપે. મહિલાઓએ પાંચ હાથ દુરથી દર્શન કરવાના રહેશે તથા એકલી આવેલી મહિલા સંતોને મળી નહીં શકે જેવા નિર્ણયો કરાયા હતા.

દિલ્હીમાં ગુરૂવારે મળેલ બેઠકમાં અખીલ ભારત વર્ષીય દિગંબર જૈન મહાસભા, અખીલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ તથા દિગંબર જૈન પરિષદ વગેરે રાષ્ટ્રીય સંસ્થાઓએ મંત્રણા કરી નવા નિયમોના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી હતી. નવા નિયમોમાં મહિલાઓને લઈને વધુ સંવેદનશીલતા વર્તવામાં આવી છે.

દિગંબર જૈન મહાસમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક બડજાત્યા દ્વારા જાહેર કરવામાં આવેલ નિર્ણયોમાં જણાવાયું છે કે એકલા વિહાર કરતા મુનિઓને ભારતનો કોઈપણ સંઘ પ્રશ્રય નહીં આપે. આચાર્ય સંઘમાંથી દિક્ષીત સાધુ વિશેષ પરિસ્થિતિને છોડીને એકલ વિહારી ન બને. જો સંત સંઘ છોડીને જવાની કોશીશ કરેતો સમાજ સચેત કરે.

આચાર્યગણે ધ્યાન રાખવું કે સંઘસ્થ સંતો અથવા તેમના દ્વારા દિક્ષીત સંતોને આચાર્ય પદવી પ્રદાન ન કરવી. એક સંઘમાં એક જ આાચાર્ય હોવા જોઈએ. જો કોઈ આચાર્ય પદ આપવા દબાણ કરે તો પણ તેને આચાર્ય પદ પ્રદાન ન કરવું. મહિલાઓએ શિક્ષણના સમયે અથવા દર્શનના સમયે ઓછામાં ઓછું પાંચ હાથ દુર બેસવુ. આહારના સમયે પણ એક- બે પુરૂષોનું હોવું જરૂરી છે. એકલી મહિલા આહારચર્યા નહી કરાવી શકે. એક- બે મહિલાઓ પુરૂષોની હાજરી વિના સંતોને મળી પણ નહીં શકે અને વાતચિત પણ નહીં કરી શકે. મહિલાઓ સ્થાયી રીતે સંતો સાથે નહીં શકે. આ જવાબદારી સ્થાનીક સમાજે ઉઠાવવી પડશે તેમ પણ ''અમર ઉજાણ''માં જણાવાયું હતું. આગમ આજ્ઞા મુજબ ચાતુર્માસને બાદ કરતા સંઘ કોઈ શહેર કે વિસ્તારમાં ૧૫ દિવસથી વધુ વિચરણ નહીં કરી શકે. ત્યારબાદ તેમણે વિહાર કરવો પડશે. એક વખત કોઈ સાધુ દુષ્કૃત્યમાં સામેલ હોવાનું માલુમ પડતા તે સાધુની ફરી દિક્ષા નહીં થાય. પછી તેણે આજીવન ગૃહસ્થ તરીકે જીવવું પડશે. દરેક આચાર્યએ તેમના દિક્ષીત સાધુઓની એક યાદી આપવી જેથી જાતે દિક્ષા લઈને ફરતા સાધુઓની ઓળખ થઈ શકે.(૩૦.૩)

(11:54 am IST)