Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બેન્ક લોન ફ્રોડના આરોપીએ અહેમદભાઈ પટેલના ઘરે ૨૫ લાખ પહોંચાડયા હતાઃ ઈડીનો દિલ્હીની કોર્ટ સમક્ષ સનસનીખેજ ધડાકો

અહેમદભાઈએ આરોપો નકારી કાઢયાઃ આ અંગે હું કશુ જાણતો નથીઃ કાયદાને કાયદાનું કામ કરવા દો વિરોધ પક્ષના એક પછી એક દિગ્ગજો ફરતો ભીંસાતો જતો ગાળિયો

નવી દિલ્હી, તા. ૪ :. કોંગ્રેસના વધુ એક કદાવર નેતાને ટૂંક સમયમાં ઈડીની કચેરીના ધક્કા ખાવા પડે તેવા સંજોગો ઉભા થયા છે. ઈડીએ દિલ્હીની એક કોર્ટને જણાવ્યુ છે કે તેની પાસે કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિવાસ સ્થાને ૨૫ લાખ રૂપિયા પહોંચાડવાના પુરાવા છે. સંદેહ છે કે આ પૈસા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિશ્વાસુઓ પૈકીના એક એવા અહેમદ પટેલના ઘરે લાંચ તરીકે પહોંચાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ઈડીએ ગઈકાલે દિલ્હીની એક કોર્ટમાં રંજીત મલિકના નામના એક શખ્સની ૧૫ દિવસની કસ્ટડી માંગી હતી. જે દરમિયાન ઈડીએ આ માહિતી શેર કરી હતી. રંજીત મલિકને એક મની લોન્ડરીંગ કેસમાં પકડી લેવામાં આવ્યો હતો. આ મામલો ખોટી રીતે ૫૦૦૦ કરોડ રૂપિયાની લોન મેળવનાર ગુજરાતની કંપની સ્ટર્લીંગ બાયોટીક વિરૂદ્ધ સીબીઆઈ કેસ સાથે પણ જોડાયેલો છે.

કોર્ટમાં ચર્ચા દરમિયાન ઈડીએ કહ્યુ હતુ કે, અમે રાકેશ ચંદ્રા નામના એક શખ્સનું નિવેદન રેકોર્ડ કર્યુ છે. જેણે સ્વીકાર્યુ છે કે તેણે રંજીત મલિક માટે કેશ કુરીયર એટલે કે પૈસા પહોંચાડવાનું કામ કર્યુ હતું. રાકેશ ચંદ્રાએ એવુ પણ કહ્યુ હતુ કે, તેણે ૨૩, મધર ટેરેસા ક્રેસેન્ટ રોડ પર ૨૫ લાખ રૂ. પહોંચાડયા હતા. જે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલનું સત્તાવાર નિવાસ સ્થાન છે. ઈડીના અધિકારીઓએ કોર્ટને એવુ પણ જણાવ્યુ હતુ કે અમારી પાસે સાક્ષીઓના નિવેદન છે એટલુ જ નહી આરોપો સાબિત કરવા માટે ફોન પર થયેલી વાતચીત અને ટ્રાન્ઝેકશનના રેકોર્ડ પણ છે.

જો કે અહેમદ પટેલની ઓફિસ તરફથી જણાવાયુ છે કે આ બધા આરોપો આધાર વિહીન છે. અહેમદ પટેલની કચેરીએ જણાવ્યુ છે કે હું આ અંગે કશુ જાણતો નથી. કાયદાને કાયદાનું કામ કરવા દો. ઈડી તરફથી અહેમદ પટેલનું કોઈ મની લોન્ડરીંગ કેસમાં નામ લેવાયુ હોય તેવુ આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ એજન્સીએ આરોપ મુકયો હતો કે તેમનો પુત્ર અને જમાઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ૨૦૧૧ના વર્ષમાં સ્ટર્લીંગ બાયોટેક પર દરોડા દરમિયાન એક ડાયરી મળી હતી. જેમા કથીત રીતે નેતાઓ, આયકર અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૈસા ચુકવવામા આવ્યા હોવાનું જણાવાયુ હતું.(૨-૧૦)

(11:49 am IST)