Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

યુપીઃ હવે ગાંધીજીની પ્રતિમા ભગવા રંગે રંગાઇ

લખનૌ તા.૪: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર સત્તા પર આવતાની સાથે જ અનેક પોલીસ-સ્ટેશનોને અને અનેક સરકારી મકાનોને ભગવા રંગમાં રંગવામાં આવી રહયાં છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ભગવા રંગે રંગવામાં આવી છે, જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહયો છે.

વાત છે ઉત્તર પ્રદેશના ઘનશ્યામપુર ગામની. અહીં ગ્રામસભાની જમીન પર ૨૦ વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને રાતોરાત ભગવા રંગે રંગવામાં આવી હતી. હાલમાં તો આ બાબતને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. બીજી તરફ આ બાબતની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બાબતે બીજેપીના જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું કે 'આ બાબતે અમે કોઇ જાણકારી નથી ધરાવતા. બીજેપીના નેતા અને કાર્યકર્તાઓ આવી માનસિકતા નથી રાખતા. આ કામ ગામના લોકોનું જ હોવું જોઇએ, પણ આરોપ તેઓ બીજેપી કાર્યકર્તાઓ પર મૂકી રહયાં છે.'

આ અગાઉ ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના એક ગામમાં ડો. બાબાસાહેર ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર પણ ભગવો રંગ લગાડવામાં આવ્યો હતો, પણ પછી મામલો વધુ ઊછળતાં મૂર્તિને ફરી બ્લુ રંગે રંગવામાં આવી હતી.(૧.૨)

(9:40 am IST)