Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વિજળી સસ્તી કરવાની તૈયારીઃ ગ્રાહકોને સીધો લાભ થશે

કેન્દ્ર સરકાર વિજળીના ભાવો ઘટાડવા અને તેમા એકરૂપતા લાવવાની દિશામાં કામ કરી રહી છેઃ થર્મલ ઉર્જા ઉત્પાદન તથા શેડયુલીંગના નિયમોમાં છૂટછાટ આપવાની યોજનાઃ નિયમોમાં છૂટછાટ મળવાથી વિજળીની અછત થાય ત્યારે કંપનીઓએ મોંઘી વિજળી ખરીદવી નહીં પડેઃ અત્યારે ગ્રીડ પાસેથી વિજળી ખરીદવી પડે છે અને સ્પોટરેટને કારણે કિંમતો સમાન રહેતી નથી

નવી દિલ્હી, તા. ૪ :. કેન્દ્ર સરકાર દેશમાં વિજળીના ભાવો ઘટાડવા અને તેમા એકરૂપતા લાવવાની દિશામાં કામ કરી રહી છે. આ માટે સરકાર થર્મલ ઉર્જા ઉત્પાદન તથા શેડયુલીંગના નિયમોમાં છૂટછાટ આપવા માગે છે. ઉર્જા મંત્રાલયે ગયા મહિને આ બાબતે મેરીટ ઓર્ડર જારી કરી તમામ પક્ષો પાસે સૂચનો માગ્યા હતા. જે અંગે સકારાત્મક પ્રતિભાવો મળ્યા છે.

દેશમાં થર્મલ ઉર્જા ઉત્પાદન ૩૪૪ ગીગાવોટ અને અક્ષય ઉર્જા ક્ષમતા ૭૦ ગીગાવોટ છે. તેમા વધુમાં વધુ માંગવાળા સમયમાં ઉપલબ્ધતા ૧૭૩ ગીગાવોટ હોય છે. ઉર્જા સમજુતી નહીં હોવાને કારણે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં વિજળીનો પુરવઠો પહોંચાડવો સંભવ નથી હોતો, એવામાં મોંઘી વિજળી ખરીદવી પડે છે અને તેની સીધી અસર ગ્રાહક પર પડે છે.

મોંઘી વિજળીનો હલ શોધવાની દિશામાં ઉર્જા મંત્રાલયે ૧૭ જુલાઈના રોજ જારી કરેલ મેરીટ ઓર્ડર પર ૧ ઓગષ્ટ સુધી સીઈઆરસી, સીઈએ અને રાજ્યોના ઉર્જા સચિવો પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા. જેમાં થર્મલ ઉર્જા ઉત્પાદન તથા શેડયુલીંગના નિયમોમાં છૂટ આપવાને લઈને સકારાત્મક પ્રતિભાવો મળ્યા હતા. જવાબ સકારાત્મક આવવાના કારણે વિજળી કંપનીઓની પડતરમાં ઘટાડો થશે અને એકરૂપતા આવશે. સરકાર આ વ્યવસ્થાને ટ્રાયલને આધારે એક વર્ષ માટે લાગુ કરી શકે છે. તે પછી પુનઃ વિચાર કરી આગળ વધવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો સરકાર બધા પક્ષકારોને સૂચનો મુજબ આગળ વધશે તો ગ્રાહકોને સીધો ફાયદો મળશે. કેન્દ્રીય ગ્રીડ તંત્ર સીમીત નહી રહે અને બધા એકમોમાં એકરૂપતા આવશે.

નિયમોમાં ઢીલ મળવાથી વિજળીની અછત થાય ત્યારે કંપનીઓએ મોંઘી વિજળી ખરીદવી નહી પડે. અત્યારે કરાર ન હોવાને કારણે ગ્રીડ પાસેથી વિજળી ખરીદવી પડે છે. જેમા સ્પોટરેટને કારણે ભાવ સમાન નથી રહેતા. સરકાર નિયમોમાં છૂટ આપશે તો કંપનીઓ પોતાના કોઈપણ ઉર્જા એકમમાંથી વિજળી પહોંચાડવાનો રસ્તો કે ખરીદવાનો રસ્તો ખુલી જશે. ગ્રીડ પાસેથી ખરીદવી નહી પડે જેને કારણે વિજળીના ભાવ દેશમાં એક સમાન રહેશે અને કિંમતો ઘટશે.

ઉર્જા મંત્રાલય આ બાબતે તૈયાર થયેલા મુસદ્દા પર નિષ્ણાતો સાથે અંતિમ ચર્ચા કરી રહ્યુ છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આગળના પગલા જાહેર થશે.(૨-૩)

(9:37 am IST)