Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મોદી સરકારે મેહુલ ચોક્સીને ફરાર થવામાં મદદ કરીઃ કોંગ્રેસ

એન્ટીગુવાના અહેવાલો અંગે કોંગ્રેસનું નિવેદન :પહેલા છેતરપિંડી કરાવી અને ત્યારબાદ ફરાર કરાવવા કેન્દ્રની મોદી સરકારની નીતિ બની ગઈ છે : સુરજેવાલા

નવીદિલ્હી,તા. ૩ : કોંગ્રેસે મોદી સરકાર ઉપર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, એન્ટીગુવા તરફથી આવેલ ચોંકાવનારા રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે, મોદી સરકારની મદદથી જ મેહુલ ચોક્સીને ફરાર થવામાં સફળતા મળી છે. મિડિયામાં એન્ટીગુવા ઓથોરિટી તરફથી આવેલી માહિતી બાદ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા આ વાત કહી હતી. મિડિયામાં ચાલી રહેલા અહેવાલોના આનુસાર એન્ટીગુવા ઓથોરિટીનું કહેવં છે કે, જ્યારે એન્ટીગુવાએ પીએનબી ફ્રોડના આરોપી મેહુલ ચોક્સી અંગે ભારતીય એજન્સીઓએ માહિતી માંગી તો તેમને ચોક્સી વિરુદ્ધ કોઇપણ માહિતી મળી ન હતી. સુરજેવાલાએ કહ્યું હતું કે, પહેલા છેતરપિંડી કરાવી અને ત્યારબાદ તેમને ફરાર કરવા તે મોદી સરકારની નીતિ બની ગઈ છે. એન્ટીગુઆ તરફથી થયેલા ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે, કેવીરીતે મોદી સરકારને આ મેગા કૌભાંડમાં નિષ્ક્રિયતા દર્શાવી છે. સુરજેવાલાએ  જ્યારે આ વર્ષે એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદી એન્ટીગુઓના વડાપ્રધાન ગૈસ્ટન બ્રોનને મળ્યા ત્યારે તેમણે આ મુદ્દો કેમ ઉઠાવ્યો ન હતો તેવો પ્રશ્ન કર્યો હતો. સુરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે, વિદેશ મંત્રાલયે પણ ચોક્સીને ક્લિનચીટ આપી છે જ્યારે તેમની વિરુદ્ધ કેસો હતા. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે, સીબીઆઈ અને ઇડીએ મેહુલ ચોક્સી વિરુદ્ધ વોરંટ માટે ઇન્ટરપોલ તરફ પોતાનું વલણ કેમ સ્પષ્ટ ન કર્યું અથવા તો ચોક્સી વિરુદ્ધ છેતરપિંડીના મામલે કેમ માહિતી આપી ન હતી. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી કાર્યાલયે આ અંગે કેમ કોઇ કાર્યવાહી નથી કરી અથવા તો વિદેશ મંત્રાલય, ઇડી, સીબીઆઈ સિક્યોરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાને પગલા લેવા આદેશો કેમ આપવામાંઆવ્યા નથી તેવો આક્ષેપ કર્યો હતો.

(12:00 am IST)