Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પ્રમોશનમાં અનામત : સુપ્રીમની બંધારણીય બેંચ નક્કી કરે તે જરૂરી

એસસી-એસટી એક હજાર વર્ષોથી પછાત : એટર્ની જનરલ : એસસી-એસટી વર્ગના લોકો પહેલાથી પછાત રહી ગયા છે, તેથી પ્રમોશનમાં અનામત આપવા માટે અલગથી કોઇપણ ડેટાની જરૂરિયાત જણાતી નથી

નવી દિલ્હી,તા. ૩ : સુપ્રીમ કોર્ટમાં પ્રમોશનમાં એસસી એસટી અનામત સાથે જોડાયેલ ૧૨ વર્ષ જુના નાગરાજ જજમેન્ટના કેસમાં મહત્વની સુનાવણી ચાલી રહી છે. જે દરમિાયન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આજે જણાવ્યું હતું કે, ૨૦૦૬ના નાગરાજ જજમેન્ટને લઇને એસસી-એસટી માટે પ્રમોશનમાં અનામતની વાત અટકી ગઇ છે. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, પ્રમોશનમાં અનામત આપવું સાચુ છે કે ખોટુ તેની પર તેઓ કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી પરંતુ આ વર્ગ ૧૦૦૦ કરતા વધુ વર્ષોથી તેની વેદના સહન કરી રહ્યા છે.   નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની સમીક્ષાની ભારે જરૂર છે. એટર્ની જનરલે વધુમાં જણાવ્યું કે, એસસી-એસટી વર્ગના લોકો આજે પણ આ મામલે ભારે વ્યથા સહન કરી રહ્યા છે. ત્યારે સર્વોચ્ચ અદાલતે ૨૦૦૬ના ઉપરોક્ત ચુકાદાને લઇને પુનઃ વિચાર કરવાની તાત્કાલિક જરૂર છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, એસસી-એસટી વર્ગના લોકો પહેલાથી જ પછાત રહી ગયેલા છે અને તેથી પ્રમોશનમાં અનામત આપવા માટે અલગથી કોઇ ડેટાની જરૂરિયાત જણાતી નથી. એટર્ની જનરલે એ સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે એક વાર એસસી-એસટીના આધાર પર તેઓને નોકરી મળી ચુકી હોય તો પ્રમોશન કે બઢતીમાં અનામત માટે ફરીથી ડેટાની શુ જરૂર છે? ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૨૦૦૬ના નાગરાજ ચુકાદા મુજબ સરકાર એસસી-એસટીને પ્રમોશનમાં અનામત ત્યારે જ આપી શકે છે કે જ્યારે ડેટાના આધાર પર નક્કી થયેલું હોય કે તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે અને તે પ્રશાસનની મજબૂતી માટે પણ જરૂરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના એટર્ની જનરલને પૃચ્છા કરી હતી કે, નાગરાજ જજમેન્ટમાં દર્શાવાયેલી આ વ્યવસ્થા કેવીરીતે ખોટી છે કે, અનામત આપતા પહેલા તેમન સામાજિક આર્થિક ડેટા જોવામાં આવે કે તેઓ પછાત વર્ગમાં સમાવિષ્ટ છે કે નહીં.

દરમિયાન રાજ્યો અને એસસી-એસટી એસોસિએશનો તરફથી એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે, ક્રિમીલેયરને બહાર રાખવાનો નિયમ એસસી-એસટી પર લાગૂ પડતો નથી. સરકારી નોકરીમાં તેઓને પ્રમોશન અપાવવું જોઇએ કારણ કે, આ એક સંવૈધાનિક જરૂરીયાત છે. સામે પક્ષ હાઈકોર્ટના ચુકાદાના સમર્થનકર્તાઓની દલીલ હતી કે, સુપ્રીમ કોર્ટના નાગરાજ ચુકાદા પ્રમાણે, આ માટે એ વાત સાબિત કરવી પડશે કે સેવામાં એસસી-એસટીનું પુરતું પ્રતિનિધિત્વ નથી અને તેના માટે ડેટા આપવો પડશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પાંચમી જુને કેન્દ્ર સરકારને કાયદાનુસાર કર્મચારીઓની નિશ્ચિત શ્રેણીમાં બઢતી માટે અનામત આપવાની મંજુરી આપી હતી જે મુજબ સુપ્રીમ કોર્ટે નોકરીઓમાં પ્રમોશનને લઇને હાલની અનામત વ્યવસ્થાને ત્યાં સુધી યથાવત રાખવા કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં બંધારણીય બેંચ કોઇ અંતિમ ચુકાદો જારી ન કરી દે. ૨૦૦૬માં નાગરાજ સંબંધિત આ કેસમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે ચુકાદો આપ્યો હતો. ૨૦૦૬ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બઢતીમાં અનામત મામલાની સુનાવણી હાથ ધરી હતી અને તેના કાયદાને યોગ્ય ઠરાવતા શરત લાગૂ કરી હતી કે, અનામત પહેલા એ જોવું પડશે કે અપુરતું પ્રતિનિધિત્વ અને પછાતપણું છે કે નહી અને તેના માટે આંકડા પણ આપવા પડશે.

(12:00 am IST)