Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

WWEની દુનિયામાં ધૂમ મચાવનાર પહેલવાન કેન હવે રાજનીતિની રીંગમાં ઉતર્યાઃ અમેરિકી નોક્સ કાઉન્‍ટીના મેયર તરીકે ચૂંટાયા

નવી દિલ્હીઃ WWEની દુનિયામાં કેનના નામથી દરેક કોઇ પરિચિત છે. રેસલિંગની રિંગમાં પોતાના દુશ્મનોને ચિત કરનાર આ પહેલવાન હવે રાજનીતિની રિંગમાં ઉતરી ચુક્યા છે. લાગે છે કે, અહીં પણ તે બધાના પર ભારે પડશે. કેનનું સાચુ નામ ગ્લેન જૈક્બ્સ છે. પરંતુ WWEની દુનિયામાં તે કેનના નામથી પ્રખ્યાત છે. ગુરૂવારે રાત્રે આવેલા પરિણામમાં તે અમેરિકી નોક્સ કાઉન્ટીના મેયર તરીકે ચૂંટાયા. તે રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે. 

કેને પોતાના હરીફ અને ડેમોક્રેટ સભ્ય લિંડા હેનીને પરાજય આપ્યો. કેનને 66 ટકા મત મળ્યા. લિંડા પર તેમને મોટા અંતરથી જીત મળી. આ જીતની સાથે WWEએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમને શુભેચ્છા આપતા તેની જાહેરાત કરી. 

કેન અમેરિકામાં મેયર પદ સુધી પહોંચનાર WWEના બિજા રેસલર છે. આ પહેલા 1991-1995 સુધી જેસ વેંચુરા બ્રૂકલિન પાર્કના મેયર રહ્યાં હતા. ત્યારબાદ તે 1999થી 2003 સુધી ત્યાંના ગવર્નર પણ રહ્યાં. ગ્લેન જૈકબ ઉર્ફ કેને 1995માં WWEમાં જોડાયા. ત્યારબાદ રમતનો સૌથી લોકપ્રિય ચહેરો બન્યો. WWEના ઇતિહાસમાં તેની અને તેના ભાઇ અંડરટેકરની ફાઇટ સૌથી ચર્ચિત ફાઇટમાંથી એક છે. 

WWEની રિંગમાં ઉતર્યા બાદ કેને પેય પર વ્યૂ (પીપીવી) ઇવેન્ટમાં ભાગ લીધો. ત્યારબાદ એક દાયકા સુધી તે આ પ્રકારની ઈવેન્ટનો ચહેરો બનેલો રહ્યાં. કેન અંતિમવાર જૂનમાં રિંગમાં દેખાયા હતા. સ્મેકડાઉન વિરુદ્ધ મેચમાં તે ડેનિયલ બ્રાયનની સાથે રિંગમાં ઉતર્યા હતા. કહેવામાં આવે છે કે આ ઈવેન્ટ તેમના મેયર પદના પ્રચાર માટે વધુ હતી. 

(6:18 pm IST)