Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પાકિસ્તાનમાં બસ-ટ્રેન અથડાતાં ૧૯ શીખ શ્રધ્ધાળુઓના જીવ ગયા

ભયાનક એકિસડન્ટ : પાકિસ્તાનમાં લાહોરથી કરાચી શીખ શ્રધ્ધાળુઓને લઇ જતી બસ ફારૂકાબાદ સ્ટેશન પાસે શાહ હુસૈન એકસપ્રેસ સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

લાહોર,તા.૪ :  પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે કરાચી પાસે ટ્રેન અને બસના અકસ્માતમાં ૧૯ સીખ શ્રદ્ઘાળુનાં મોત થયાં હતાં. શીખ શ્રદ્ઘાળુ એક બસમાં લાહોરથી કરાચી જઈ રહ્યા હતા. તેમની બસ શાહ હુસૈન એકસપ્રેસ સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી. પાકિસ્તાનની ન્યુઝ વેબસાઇટ ધ ડોન ન્યુઝ અનુસાર ૧૫ શ્રદ્ઘાળુઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એકસપ્રેસ અહીં ઝડપથી નીકળી રહી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યકત કરી હતી. રેલવે પ્રધાન શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે બધા શીખ શ્રદ્ઘાળુ નનકાના સાહિબથી પરત આવી રહ્યા હતા.

પાકિસ્તાનમાં ગત વર્ષે ઓકટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઈ હતી તેમાં ૮૯ લોકોનાં મોત થયાં હતાં ત્યારે ઇમરાન ખાનનો એક જુનો વિડિયો વાઇરલ થયો હતો, આ વિડિયો નવાઝ શરીફના સમયનો હતો, ત્યારે ઇમરાને રેલવે દુર્ઘટના બાદ રેલપ્રધાનના રાજીનામાની માગ કરી હતી.

(11:19 am IST)