Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ભારતના ડયુટી વધારાથી વોશિંગ્ટન એપલ માટે તકલીફોમાં વધારો થયો

ન્યુયોર્ક તા. ૪: અમેરિકાના વોશિંગ્ટન એપલના વેપારીઓમાટે ભારતે ડયુટી વધારતાં તકલીફો વધી શકે છે. ભારત આ પ્રકારના સફરજનનું વિશ્વમાં બીજા ક્રમનું ખરીદદાર છે. કેનેડા વર્ષે ૮૦ લાખ બોકસ (એક બોકસમાં ૪૦ પાઉન્ડ વજન) ની આયાત કરે છે, જયારે ભારતે ર૦૧૭માં આવાં ૭૮ લાખ બોકસની આયાત કરી હતી.

અમેરિકાથી આયાત થતી કુલ ર૮ જેટલી ચીજો ઉપર ભારતે આયાત ડયુટી વધારી દીધી છે. અમેરિકાએ ભારતનો રાહતદરે નિકાસ કરવાનો જીએસપી કાર્યક્રમ હેઠળ મળતી રાહતો પરત ખેંચી લેતાં ભારતે આ પગલું લીધું છે. આ ર૮ ચીજોમાં વોશિંગ્ટન એપલ ઉપરની ડયુટી ભારતે ર૦ ટકા વધારી ૭૦ ટકા કરી છે. વોશિંગ્ટન રાજયમાં થતા કુલ સફરજનના પાકમાંથી ૩૦ ટકાની વિવિધ દેશોમાં નિકાસ થાય છે. આ એપલમાંથી લાલ વેરાઇટીનાં સફરજનની ભારતમાં બહુ માંગ છે. અમેરિકાથી નિકાસ થતાં કુલ સફરજનમાં ૯૦ ટકા હિસ્સો આ ગુણવત્તાનો હોય છે. જો કે, ભારતે ર૦૧૮માં માત્ર ર૬ લાખ બોકસની જ આયાત કરી હતી. ભારતે ડયુટી લાદવા માટેની જાહેરાત જૂન, ર૦૧૮માં કરી હોવાથી નિકાસ માટેની પૂછપરછ ઘટી ગઇ હતી.

'ભારત અમેરિકાના વોશિંગ્ટન એપલ માટે બહુ મોટું બજાર છે. ભારત પછી ચીનમાં નિકાસ થઇ શકે છે, પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે પણ ટ્રેડવોર ચાલી રહી છે. આ સ્થિતિમાં જો કો નવું બજાર નહીં મળે અથોવા તો ટ્રેડવોરનો અંત નહીં આવે તો સફરજન સ્થાનિક બજારમાં આવશે અને ભાવ ઘટી જવાથી ઉત્પાદકોને નુકસાન સહન કરવું પડશે.' એમ નોર્થવેસ્ટ હોર્ટિકલ્ચર કાઉન્સિલના માર્ક પોવર્સે જણાવ્યું હતું.

(3:13 pm IST)