Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સીબીઆઈમાં નિર્ધારિત ડ્રેસ કોડ પ્રમાણે કપડાં પહેરવા પડશે

કેન્દ્રીય તપાસ એજન્સીના પહેરવેશમાં મોટા ફેરફાર : ડ્યૂટી સમયે જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પર પ્રતિબંધનો સીબીઆઈના નવા ડિરેક્ટરનો આદેશ

નવી દિલ્હી, તા. ૪ : કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) અધિકારીઓ અને સ્ટાફના પહેરવેશમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. નવા આદેશ અંતર્ગત અધિકારીઓ કાર્યાલયમાં ડ્યુટીના સમયે માત્ર નિર્ધારિત ડ્રેસકોડ પ્રમાણેના કપડાં જ પહેરી શકશે. તેમના દ્વારા જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પર પ્રતિબંધ રહેશે. સીબીઆઈના નવા ડિરેક્ટર સુબોધ કુમાર જાયસવાલે આ આદેશ આપ્યો છે.

નવા ડિરેક્ટરે જાહેર કરેલા આદેશ પ્રમાણે હવેથી સીબીઆઈના દરેક અધિકારી કે કર્મચારીએ કાર્યાલયમાં યોગ્ય ફોર્મલ કપડાં પહેરવા પડશે. તેમાં પણ પુરૂષ અને મહિલા અધિકારીઓ માટે અલગ-અલગ નિર્દેશ આપવામાં આવ્યો છે. પુરૂષ અધિકારીઓએ ફોર્મલ શર્ટ-પેન્ટ અને ફોર્મલ પગરખાં પહેરવા પડશે અને સાથે જ દાઢી કરીને જ કાર્યાલય આવવું પડશે. જ્યારે મહિલા ઓફિસર્સ અને કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, ડ્યુટીના સમયે તેઓ ફક્ત સાડી, સૂટ અને ફોર્મલ શર્ટ જ પહેરી શકશે.

સીબીઆઈના ડિરેક્ટર સુબોધ કુમારની મંજૂરી સાથે નાયબ ડિરેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં દેશભરમાં સીબીઆઈની તમામ શાખાઓના પ્રમુખોને નિર્દેશોનું આકરૃં પાલન થાય તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

(7:33 pm IST)