Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ફોર્બ્સની યાદીમાં ભારતીય કેપ્ટન ૫૯માં ક્રમે

કોહલીની ૧ વર્ષની કમાણી ૨૨૯ કરોડ

નવી દિલ્હી તા. ૪ : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સતત પાંચમાં વર્ષે ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનાર ટોચના સો ખેલાડીઓમાં એક માત્ર ક્રિકેટર છે. ગયા વર્ષે લગભગ ૧૯૭ કરોડ રૂપિયાની આવક સાથે ૬૬માં સ્થાને રહેનાર કોહલી આ વખતે ૭ સ્થાનની છલાંગ લગાવીને ૫૯માં સ્થાને પહોંચ્યો છે. તેની કમાણીમાં લગભગ ૩૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

બેંગ્લોર રોયલ ચેલેન્જર્સના પણ કપ્તાન કોહલીએ ૧૨ મહિનામાં લગભગ ૨૨૯ કરોડ રૂપિયા (૩૧.૫ મીલીયન ડોલર)ની કમાણી કરી છે. તેમાંથી ૨૫ કરોડ રૂપિયા (૩.૫ મીલીયન ડોલર) પગારમાંથી અને લગભગ ૨૦૪ કરોડ રૂપિયા (૨૮ મીલીયન ડોલર) જાહેરાતોમાંથી મળ્યા. કોહલી ૨૦૧૯માં ૧૮૯ કરોડની કમાણી સાથે ૧૦૦માં સ્થાને હતો.

મિક્ષ્ડ માર્શલ આર્ટસ (એમએમએ)ના દિગ્ગજ ખેલાડી કોનર મેકગ્રેગર લગભગ ૧૫૧૭ કરોડ રૂપિયા (૨૦૮ મિલિયન ડોલર)ની કમાણી સાથે વિશ્વનો સૌથી વધુ આવકવાળો ખેલાડી છે.

 દિગ્ગજ ફુટબોલર મેસી ૯૧૯ કરોડ રૂપિયા (૧૨૬ મિલિયન ડોલર) સાથે બીજા નંબરે અને રોનાલ્ડો ૮૭૫ કરોડ રૂપિયા (૧૨૦ મિલિયન ડોલર) સાથે ત્રીજા નંબરે છે.

ટોચના ૧૦૦ ખેલાડીઓમાં બે મહિલાઓ નાઓમી ઓસાકા અને સેરેના વિલીયમ્સ પણ છે. એ બન્ને ટેનીસ ખેલાડી છે. ઓસાકા ૪૦૨ કરોડ રૂપિયા (૫૫.૨ મિલિયન ડોલર) સાથે સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી છે. તો સંયુકત યાદીમાં તે ૧૫માં નંબર પર છે. સેરેના ૨૫૯ કરોડ રૂપિયાની આવક સાથે ૪૪માં સ્થાને છે.

(11:43 am IST)