Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સૌથી વધુ કેસ ધરાવતું દેશનું ગામ

આંધ્રમાં એક જ વ્યકિતથી આખા ગામમાં ફેલાયો કોરોનાઃ ૧૧૬ અસરગ્રસ્ત

ઉમામહેશ્વર રાવ, કાકીનાડા, તા.૪: કોરોના વાયરસ કેટલો ચેપી છે તેનો એક ચોંકાવનારો કિસ્સો આંધ્રપ્રદેશમાં સામે આવ્યો છે. આંધ્રના ઈસ્ટ ગોદાવરી જિલ્લાના ગોલ્લાલા મામિનાડા ગામમાં એક જ વ્યકિતથી ૧૧૬ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યારસુધી આ ગામ કયારેય સમાચારોમાં ચમકયું નથી, પરંતુ કોરોનાની આફત તેના પર એવી વરસી છે કે તે હાલ તો દેશમાં સૌથી વધુ પોઝિટિવ કેસો ધરાવતું ગામ બની ગયું છે.

ગોલ્લાલા મામિનાડા આ ગામમાં ૧૧૬ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૨૦ મેના રોજ ગામના ૫૩ વર્ષીય એક શખ્સનું સરકારી હોસ્પિટલમાં કોરોનાથી અવસાન થયું હતું. તેમને હોસ્પિટલ લવાયા તેના એક જ કલાકમાં તેમણે દમ તોડ્યો હતો. મૃતક હોટેલમાં કામ કરવાની સાથે ફોટોગ્રાફર પણ હતા. એવું મનાઈ રહ્યું છે કે તેમના કામકાજને કારણે તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા, અને તેના લીધે જ તેમના ગામ ઉપરાંત આસપાસના ૧૫૦ જેટલા લોકોને ચેપ લાગી ગયો.

મૃતકને તાજેતરમાં જ તેમની ગામની નજીક યોજાયેલા એક કાર્યક્રમમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા છે. એટલું જ નહીં, તેઓ એક સ્થાનિક સંસ્થા દ્વારા યોજાયેલા માસ્ક વિતરણ કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. જોકે, તેમને ખરેખર ચેપ કયાંથી લાગ્યો તે શોધવાની કામગીરી હાલ ચાલુ છે. તેમનું મૃત્યુ થયું તે જ સમયગાળામાં તેમના દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેવામાં કોણે કોને ચેપ લગાડ્યો તેનો પણ ગૂંચવાડો ઉભો થયો છે.

હાલ તો તેમના ગામને રેડ ઝોન જાહેર કરીને સરકાર દ્વારા ત્યાં સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરનું માનીએ તો, ૧૭મી મે બાદ લોકડાઉન હળવું થતાં મૃતક મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યા અને તેમણે ૧૧૬ લોકોને ચેપ લગાડ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ગામમાં હજુ પણ તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમના ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.

(3:33 pm IST)