Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

સમાજવાદી પાર્ટી અને બસપાનું ગઠબંધન ભાંગી પડ્યુઃ માયાવતીની જાહેરાત

માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી ગઠબંધન અંગે મોટો ધડાકો કર્યો : અખિલેશ-ડિમ્પલ સાથે સંબંધ સારાઃ ભવિષ્યમાં ભેગા ચૂંટણી લડીશું: હાલ પેટા ચૂંટણીઓ બસપા એકલા હાથે લડશેઃ માયાવતી

લખનઃ બસપા પ્રમુખ માયાવતીએ આજે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ તેમની પાર્ટીની પરિસ્થિતી સુધારે, હાલ પણ ગઠબંધન પર સ્થાઈ બ્રેક લાગી નથી. પરંતુ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં ૧૧ બેઠકો પર બસપા એકલા હાથે લડશે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં સપાના બેઝ એટલે કે યાદવોના વોટ જ તેમને (સપાને) મળ્યા ન હતા. ડિમ્પલ યાદવે પોતે અને તેમના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી હારી ગયા છે. જે ચિંતાનો વિષય છે. આ પહેલા સોમવારે તેમણે દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરી હતી. માયાવતીએ પદાધિકારીઓ અને સાંસદો સાથે થયેલી બેઠકમાં કહ્યું હતું કે ગઠબંધન થી ફાયદો થયો ન હતો.

ગત રોજ માયાવતીએ યુપી નેતાઓ સાથે લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરતા મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ગઠબંધનથી ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળ્યા નથી. જેથી હવે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષામાં માયાવતીએ મહત્વનો નિર્ણય લેતા કહ્યું કે, વિધાનસભા ઉપચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા બસપા કોઈ પણ પેટાચૂંટણી લડી ન હતી. બસપાએ તેની છેલ્લી પેટાચૂંટણી ૨૦૧૦માં લડી હતી. દિલ્હીમાં સાંસદો, કોઓર્ડિનેટરો, જિલ્લા અધ્યક્ષો સાથે સમીક્ષા દરમિયાન માયાવતીએ કહ્યું કે, સપા સાથે ગઠબંધનથી કોઈ ફાયદો ન થયો. શિવપાલ યાદવે યાદવોના વોટને ભાજપમાં ટ્રાન્સફર કરી દીધા સપા તેને રોકી ન શકી.

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવાતીએ સોમવારે દિલ્હીમાં ચૂંટણીમાં થયેલી હારની સમીક્ષા કરી હતી. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં BSPની સંતોષજનક બેઠકો ન મળવા અને ઘણા રાજયોમાં મળેલી હાર અંગે માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તરે મિટિંગ બોલાવી હતી.

(1:31 pm IST)