Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ - ડિઝલના ભાવ ઘટયા

પેટ્રોલ ૧૫ પૈસા તો ડિઝલ ૧૪ પૈસા સસ્તુ

નવી દિલ્હી તા. ૪ : પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે ભારે હાહાકાર મચાવ્યા પછી હવે થોડી થોડી રાહત આપવાની શરૂઆત થઈ રહી છે. ૩૦ મેના રોજ પેટ્રોલ-ડીઝલમાં માત્ર ૧ પૈસાનો મામૂલી વધારો પછી આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોમવારે દેશના મેટ્રો શહેરમાં પેટ્રોલનો ભાવ ૧૫ પૈસા જેટલો ઘટ્યો છે. જયારે ડીઝલમાં ૧૪ પૈસાનો ઘટાડો આવ્યો છે.

આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ રૂ.૭૭.૯૬ પ્રતિ લીટર પર પહોંચ્યું છે, તો મુંબઈમાં રૂ.૮૫.૭૭, કોલકત્તામાં રૂ.૮૦.૬૦ અને ચેન્નાઈમાં ૮૦.૯૪ પ્રતિ લીટરના ભાવ પર પહોંચ્યું છે.

જયારે જો ડીઝલની વાત કરવામાં આવે તો ૧૪ પૈસાના ઘટાડા સાથે દિલ્હીમાં પ્રતિ લીટરનો ભાવ રૂ.૬૮.૯૭ પર પહોંચ્યો તો મુંબઈમાં ૭૩.૪૩ અને ચેન્નાઇમાં ૭૨.૮૨ પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

આ પહેલા રવિવારે પેટ્રોલમાં ૯ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, જયારે ડીઝલમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. શનિવાર પેટ્રોલ અને ડીઝલમાં ૯ પૈસા પ્રતિ લીટર સસ્તા થયું હતું. છેલ્લા ૬ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૪૮ પૈસાનો ઘટાડો થયો છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા ૪ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધનીય ઘટડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર સામાન્ય જ ઘટડો કરવામાં આવ્યો છે. જો કે આશરે ૧૬ દિવસ સુધી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યા પછી છેલ્લા ૪ દિવસથી રાહત આપાવમાં આવી રહી છે.(૨૧.૧૦)

(11:38 am IST)