Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કર્ણાટકમાં ઓક્સિજનની અછતથી વધુ ૪નાં મોત થયા

દેશમાં ઓક્સિજનની અછતથી કપરી સ્થિતિ : દેશમાં અત્યારે એવી સ્થિતિ છે કે લોકો કોરોનાના કારણે નહીં પણ ઓક્સિજન ના મળવાના કારણે મરી રહ્યા છે

બેંગલોર, તા. : દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ઓક્સિજનની અછતથી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. દેશના અનેક એવા રાજ્યો અને વિસ્તારો છે, જ્યાં ઓક્સિજનની અછતના કારણે લોકોના જીવ જઇ રહ્યા છે. સરકાર અને તંત્રની નિષ્ફળતાના કારણે લોકો તડપી તડપીને મરી રહ્યા છે. ઓક્સિજનની અછતના કારણે મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગઇકાલે કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણ ૨૪ લોકોના મોત થયા હતા. ત્યારે આજે વધારે લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.

હવે આજે કર્ણાટકના યેલાહંકા વિસ્તારમાં આવેલી આરકા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે બે દર્દીના મોત થયા છે. હોસ્પિટલ પ્રશાસનને સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યે ઓક્સિજન આપવાની માંગ કરી હતી. હોસ્પિટલમાં કુલ ૪૫ કોરોનાના દર્દીઓ દાખલ હતા. હોસ્પિટલના પ્રશાસને ૩૫ ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ માટે મોકલ્યા હતા. જેમાંથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં ૧૫ સિલિન્ડર મળી ગયા, જ્યારે ૨૦ સિલિન્ડર મળવાના બાકી હતા.

જો કે અત્યારે તો સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મલ્યું છે. પરંતુ ઓક્સિજનના ઓછા પ્રવાહના કારણે બે દર્દીઓના મોત થયા છે. દેશમાં અત્યારે એવી સ્થિતિ છે કે લોકો કોરોનાના કારણેનહીં પણ ઓક્સિજન ના મળવાના કારણે મરી રહ્યા છે. જેના માટે સરકાર અને પ્રશાસન જવાબદાર છે.

હજુ ગઇ કાલે કર્ણાટકના ચામરાજનહર હોસ્પિટલમાં કથિત રીતે ઓક્સિજનની અછતના કારણે એક દિવસમાં ૨૪ દર્દીઓના મોત થયા છે. મૃતકોની અંદર ૨૩ કોરોનાના દર્દીઓ હતા. ઘટના બાદ દેશભરમાં તેના પડઘા પડ્યા હતા. ત્યારબાદ સરકારે ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

(7:23 pm IST)