Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

શ્રમિકોનું હલ્લાબોલ : મવડી ચોકડીએ અઢી કલાક સુધી દેખાવોઃ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ

ગઇકાલે ૮૦ ફુટ રોડ, આહિર ચોકમાં મજૂરો બહાર નીકળી ગયા બાદ આજે ફરીથી વતન મોકલવાની માંગણી સાથે પ્રદર્શન : હજારેક મજૂરો રોડ પર ઉતરી આવતાં પોલીસના ધાડેધાડાઃ મહામહેનતે સમજાવ્યા

રાજકોટ તા. ૪: કોરોના મહામારીમાં લોકડાઉનના બે તબક્કા પુરા થયા પછી ફરીથી ૧૭ મે સુધી લોકડાઉન-૩ અમલી બનાવવામાં આવ્યું છે. લોકડાઉનમાં ઠેકઠેકાણે હજ્જારો પરપ્રાંતિય મજૂરો દિવસોથી ફસાયેલા છે. રાજકોટમાં પણ આ રીતે અનેક મજૂરો વસવાટ કરી રહ્યા છે. અત્યાર સુધી તો તેઓ જ્યાં કામ કરતાં હતાં ત્યાં અથવા જે તે સાઇટ પર તેમને રાખવામાં આવ્યા હતાં. પરંતુ ગઇકાલે રવિવારે આજીડેમ ચોકડી, આહિર ચોક, જંગલેશ્વરની રાધેક્રિષ્ના સોસાયટીમાં યુ.પી.-બિહાર-એમ.પી.ના મજૂરો સેંકડોની સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતાં અને વતન મોકલવાની માંગણી પ્રબળ બનાવી હતી. ગઇકાલે તો પોલીસે બધાને સમજાવીને પરત મોકલ્યા હતાં. પરંતુ આજે સવારે ફરીથી મવડી ચોકડીએ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતાં અને 'અમને વતનમાં મોકલો' એવા નારા લગાવતાં પોલીસના ધાડા ઉતરી પડ્યા હતાં. બે-અઢી કલાકની સમજાવટ બાદ આ બધા પરત ઘરે વળ્યા હતાં. માલવીયાનગર પોલીસની ટીમો, તાલુકા પોલીસની ટીમો, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો તેમજ વધારાનો બીજો સ્ટાફ દોડાવાયો હતો. તમામ મજૂરોને સમજાવવા પોલીસે પ્રયાસો આદર્યા હતાં. પણ મજૂરોએ કલેકટર તંત્રના અધિકારીઓ આવી સત્વરે પોતાને સાંભળે અને વતન જવાની વ્યવસ્થા કરે તેવી માંગણી કરી હતી. બે-અઢી કલાક બાદ મજૂરોને સત્વરે વતન જવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી કલેકટર તંત્ર તરફથી વ્યવસ્થા થઇ રહ્યાની ખાત્રી મળતાં તમામ પરત વળ્યા હતાં અને કલેકટર ઓફિસે પહોંચી ફોર્મ ભરવા સહિતની તજવીજ કરી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પણ પહોંચ્યા હતાં અને મજૂરોને સમજાવી પરત વાળ્યા હતાં. પરપ્રાંતિય લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે અમારે વતન ગમે તેમ કરીને જવું છે, અમને અહિ પુરતુ ભોજન પણ મળી રહ્યું નથી. અમે ત્રણ-ચાર કિલોમીટર ચાલીને કલેકટર કચેરી સુધી ફોર્મ લેવા જઇએ છીએ તો ત્યાંથી ફોર્મ પણ મળતાં નથી. જો કે ગઇકાલે જ કલેકટરશ્રી રૈમ્યા મોહને આ મજૂરોને તેમના વતન મોકલવા ટ્રેનની વ્યવસ્થા ગોઠવાઇ રહ્યાનું જાહેર કર્યુ હતું. ત્યારે આજે મજૂરો ફરી ધીરજ ગુમાવી રોડ પર ઉતરી આવ્યા હતા. (ફોટોઃ સંદિપ બગથરીયા) 

(3:17 pm IST)