Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના વાઇરસ : ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં મૃતકોની સંખ્યામાં ભારે ઘટાડો

ફ્રાન્સમાં ૧૧ મેથી લોકડાઉન હટાવવાની તૈયારી કરાઈ રહી છે

લંડન,તા.૪: વિશ્વભરમાં કોરોના વાઇરસના કોપ વચ્ચે ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાંથી સારા સમાચાર આવ્યા છેઃ અહીં સપ્તાહો બાદ ઓછામાં ઓછા લોકોનાં મૃત્યુ નોંધાયાં છે

ફ્રાન્સમાં ૧૩૫, સ્પેનમાં ૧૬૪ અને ઇટાલીમાં ૧૭૪ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ દરમિયાન ફ્રાન્સના તબીબોનું કહેવું છે કે કોરોના વાઇરસના દરદીઓના નવાં સેમ્પલના આધારે એવું કહી શકાય કે ફ્રાન્સમાં કોરોના વાઇરસ ગત વર્ષે જ પહોંચી ગયો હતો.

પેરિસાના એક ડોકટર અનુસાર ૨૭ ડિસેમ્બરે જ કોરોના વાઇરસનો ચેપ ફેલાયો હતો.

ફ્રાન્સમાં કોરોના વાઇરસ હોવાની અધિકૃત પુષ્ટિ સરકારે આના કેટલાંય અઠવાડિયાં બાદ કરી હતી.

માર્ચ બાદ એક જ દિવસમાં થયેલાં ૧૩૫ મૃત્યુ ફ્રાંસમાં સૌથી ઓછાં છે.

ફ્રાન્સમાં ૧૧ મેથી લોકડાઉન હઠાવવાની તૈયારી કરાઈ રહી છે. એ બાદ બાળકો શાળાએ જઈ શકશે. કેટલાક કારોબાર ખોલી દેવામાં આવશે અને વગર કોઈ દસ્તાવેજે લોકો ૧૦૦ કિલોમિટર સુધી જઈ શકશે.

રવિવારે ફ્રાન્સના આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે ઘણું બધું એ વાત પર નિર્ભર કરે છે કે નવા મામલાઓમાં કેટલો ઘટાડો આવે છે.

ફ્રાન્સમાં હવેથી યુરોપિયન સંઘ અને બ્રિટનમાંથી આવનારી વ્યકિતને બે સપ્તાહ માટે કવોરેન્ટીનની પણ જરૂર નહીં પડે.

સ્પેનમાં ૨૪ કલાકમાં ૧૬૪ લોકોનાં મૃત્યુ છેલ્લા દોઢ મહિનામાં સૌથી ઓછાં નોંધાયેલાં મૃત્યુ છે. અહીં સાત સપ્તાહ બાદ શનિવારે વયસ્કોને બહાર નીકળવાની છૂટ અપાઈ.

સોમવારથી અહીં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરીને પ્રવાસ કરી શકશે અને કેટલાક વેપાર-ધંધા ખુલ્લી શકશે.

ઇટાલીમાં પણ બે મહિના દરમિયાન સૌથી ઓછાં મૃત્યુ નોંધાયા. અહીં ૨૪ કલાકમાં ૧૭૪ લોકોનાં મૃત્યુ થયાં.

ઇટાલીમાં પણ સોમવારથી લોકડાઉનમાં છૂટ અપાઈ રહી છે. જોકે, અહીં શાળા, સિનેમાઘર અને મોલ બંધ રહેશે.

ઇટાલીમાં અત્યાર સુધી કોરોના વાઇરસને લીધે ૨૮૮૮૪ લોકો માર્યા ગયા છે. જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. અમેરિકામાં અત્યાર સુધી ૬૮૦૦૦થી વધી લોકો માર્યા ગયા છે. 

(11:30 am IST)