Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાથી બચ્યા, તો આપઘાતમાં ખૂંપ્યા

દેશમાં ૩૦૦ થી વધુ લોકોએ લોકડાઉનમાં જીવન ટૂંકાવ્યા

અકળાવનારૃં એકાંતઃ કોરોના પોઝિટિવ હોવાનો ડર, દારૂ નહિ મળતાં સેનિટાઇઝરનો ઉપયોગ તથા નાણાંકીય ખેંચ કારણરૂપ બન્યા

નવીદિલ્હી,તા.૪  કોરોનાની મહામારીમાં સુરક્ષિત રહી શકેલા ૩૦૦થી વધુ હતભાગી ભારતીયો દેશવ્યાપી લોકડાઉનથી હતાશ થઇ આપઘાત કરી મૃત્યુ પામ્યા છે...!

પબ્લિક ઇન્ટરેસ્ટ ટેકનોલોજિસ્ટ તેજેશ જી એન, કાર્યકર કનિકા શર્મા અને જિંદાલ ગ્લોબલ સ્કૂલ ઓફ લોના લિગલ પ્રેકિટસના મદદનીશ પ્રાધ્યાપક અમાનના બનેલા એક સંશોધક જૂથે આમ જણાવીને ઉમેરેલ કે માર્ચના ચોથા સપ્તાહથી મે સુધીમાં લોકડાઉન સાથે સંબંધ ધરાવતા ૩૩૮ મૃત્યુ નોંધાયા છે.

આ જૂથે પૂરી પાડેલી માહિતી અનુસાર, ઉપરોકત ૩૩૮ લોકો પૈકીના ૮૦ જણે લોકડાઉન પ્રેરિત એકલતાથી કંટાળી તેમજ ટેસ્ટિંગ કરાવતા પોતે કોરોના પોઝિટિવ નીકળવાના ભયથી પ્રેરાઇને આપઘાત કરી લીધો છે.

આપઘાતથી મૃત્યુ પામનારા લોકો પછી અકુદરતીપણે મોત પામનારા અન્ય જૂથોમાં લોકડાઉનમાં ઘેર પાછા ફરતી વખતે રસ્તામાં આકસ્મિક મૃત્યુ પામનારા લોકો (૫૧)નો સમાવેશ થાય છે. તદુપરાંત વિથ્ડ્રોઅલ સિમ્પ્ટોમ્સવાળા ૪૫ જણ મૃત્યુ પામ્યા છે, જયારે લોકડાઉન પ્રેરિત ભૂખમરા અને નાણાકીય ખેંચથી પીડાઇને ૩૬ જણના મોત થયા છે.

રોગના ચેપનો ભય, એકાંત, હરવા-ફરવાની આઝાદી પર નિયંત્રણ, તેમજ લોકડાઉનમાં દારૂ નહિ મળવાની પરિસ્થિતિ જેવા કારણોના લીધે થતા આપઘાતની સંખ્યા મૂંઝવણ પ્રેરે એવી છે, એમ આ જૂથે તારવેલી વિગતોમાં જણાયું છે.

ઉદાહરણરૂપે, લોકડાઉનના લીધે શરાબ મળતો બંધ થયો છે. આ પરિસ્થિતિનો સામનો નહિ કરી શકનારા સાત જણે દારૂના બદલે આફટરશેવ અને સેનિટાઇઝર લોશન ખાઇ લઇને જીવન ટૂંકાવ્યા છે. જયારે કવોરેન્ટાઇનમાં રહેલા અને પરિવારથી દુર એવા અનેક સ્થળાંતરિત શ્રમિકો પૈકીના કેટલાકે કોરોનાના ચેપથી ગભરાઇને જયારે કેટલાકે કોરોના થાય તો એ કલંકરૂપ હોવાનું માની લઇને આપઘાતનો માર્ગ અપનાવ્યો છે, એમ આ સંશોધક-જૂથે જણાવ્યું.

કોરોનામાંથી બચી જવા છતાં અન્ય પ્રકારે મોતની પછેડીને ઓઢી લેનારાઓ માટે એ રસ્તે જવા માટે જવાબદાર બનેલા પરિબળોમાં પૈસે-ટકે ખાલી થઇ જવાથી ઉભી થયેલી પરિસ્થિતિનો પણ સમાવેશ થાય છે. આ કારણસર ૨૪ જણે આપઘાત કર્યો છે. આ જૂથમાં લાંબા અંતરની પદયાત્રા કરનારા કામદારો, રેશન માટેની કતારોમાં ઉભા રહેતા કામદારોનો સમાવેશ થાય છે.

ઉપરાંત પોલીસ દમન અથવા સ્ટેટ વાયોલન્સના બનાવોમાં ૧૧ જણ હોમાયા છે. લોકડાઉન પ્રેરિત ગુન્હાખોરીએ ૧૨ જણાનો ભોગ લીધો છે. લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન તેમજ તબીબી સારવારનો ઇન્કાર વગેરે પરિસ્થિતિ પણ લોકડાઉન પ્રેરિત ગુન્હાખોરી માટે જવાબદાર બની છે. આ પ્રકારના મૃત્યુના ૪૧ કેસ એવા છે કે જેમાં મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, એમ સંશોધક-જૂથે જણાવ્યું. 

(11:11 am IST)