Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સિલ્વર લેક જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.૫,૬૫૫.૭૫ કરોડનું રોકાણ કરશેઃ જિયો પ્લેટફોર્મ્સનું ઇકિવટી મૂલ્ય રૂ. ૪.૯૦ કરોડ

આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી ટેકનોલોજી રોકાણકાર કંપની પૈકીની એક કંપનીએ જિયો પ્લેટફોર્મ્સની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ક્ષમતાની ફરી પુષ્ટિ

 જામનગર,તા.૪: ફેસબુક પછી સિલ્વર લેકએ પણ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ('રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ') અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ ('જિયો પ્લેટફોર્મ્સ')એ આજે જાહેરાત કરી હતી કે, સિલ્વર લેક જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. ૫,૬૫૫.૭૦ કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇકિવટી મૂલ્ય રૂ. ૪.૯૦ કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. ૫.૧૫ લાખ કરોડ થઈ જશે. આ સોદો ૨૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ જાહેર થયેલા ફેસબુકના રોકાણના ઇકિવટી વેલ્યુએશનનાં ૧૨.૫ ટકા પ્રીમિયમ પર થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી કંપની છે. જિયો એની જુદી જુદી ડિજિટલ એપ, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ભારતના #1 હાઈ સ્પીડ કનેકિટવિટી પ્લેટફોર્મને એકછત હેઠળ લાવીને ભારતમાં ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ૩૮૮ મિલિયનથી વધારે સબસ્ક્રાઇબરને કનેકિટવિટી પ્લેટફોર્મની સેવા આપતી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ એ જિયો પ્લેટફોર્મની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે જળવાઈ રહેશે.

સિલ્વર લેકનું આ રોકાણ જિયોએ બ્રોડબેન્ડ કનેકિટવિટી, સ્માર્ટ ઉપકરણો, કલાઉડ એન્ડ એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિકસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ એન્ડ મિકસ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન જેવી અગ્રણી ટેકનોલોજીઓથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સ્તરનું ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યાનો વધુ એક પ્રમાણ છે.

જિયો ૧.૩ અબજ ભારતીયો અને વ્યવસાયોને ડિજિટલ ઇન્ડિયા સાથે સક્ષમ બનાવવાનું વિઝન ધરાવે છે, ખાસ કરીને નાનાં વેપારીઓ, નાના વ્યવસાયો અને ખેડૂતોને. જિયોએ ભારતીય ડિજિટલ સર્વિસીસ સેગમેન્ટમાં પરિવર્તનનો પવન ફૂંકયો છે અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજીમાં લીડર બનવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. જિયો દુનિયામાં ભારતને અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

સિલ્વર લેકના રોકાણ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'મને તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમની વૃદ્ઘિને વેગ આપવા અને એને પરિવર્તિત કરવા કિંમતી પાર્ટનર તરીકે સિલ્વર લેકને આવકાર આપવાની ખુશી છે. સિલ્વર લેક આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની ટેકનોલોજી કંપનીઓમાં કિંમતી પાર્ટનર હોવાનો ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે. સિલ્વર લેક ટેકનોલોજી અને ફાઇનાન્સમાં સૌથી વધુ વિશ્વસનિય રોકાણકાર પાર્ટનર પૈકીની એક છે. અમને એના આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી પાર્ટનર્સ પાસેથી ભારતીય ડિજિટલ સોસાયટીના પરિવર્તનને આગળ વધારે એવી ઉપયોગી જાણકારીઓનો લાભ મળશે.'

જયારે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે અર્થતંત્ર પર માઠી અસર થઈ છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી વધુ જાણીતી ટેકનોલોજી રોકાણકાર કંપનીઓ પૈકીની એક સિલ્વર લેકની જિયો સાથેની પાર્ટનરશિપ ભારત માટે સવિશેષ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય અર્થતંત્રને નવેસરથી બેઠું કરવા વિસ્તૃત ડિજિટાઇઝેશન મહત્ત્વપૂર્ણ પરિબળ બની જશે. રિલાયન્સ જિયો દેશમાં કોઈ પણ નાગરિક નવી તકોથી વંચિત ન રહેવો જોઈએ એવું દ્રઢપણે માને છે, જેમાં નવી રોજગારી અને નવા વ્યવસાયો સામેલ છે.

આ રોકાણ વિશે સિલ્વર લેકના કો-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી એગોન ડર્બને કહ્યું હતું કે, 'જિયો પ્લેટફોર્મ્સ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓ પૈકીની એક છે. કંપની મજબૂત અને ઉદ્યોગસાહસિકતાનો અભિગમ ધરાવતી ટીમ સાથે સતત આગેકૂચ કરી રહી છે, જેનું વિઝન ભારતીય સમાજનું ડિજિટલ સોસાયટીમાં પરિવર્તન કરવાનું છે.

જિયોએ બહોળા ઉપભોકતા વર્ગ અને મોટી સંખ્યામાં નાનાં વેપારીઓને ઓછા ખર્ચે ડિજિટલ સેવાઓ આપવા પાવરફૂલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જે માટે જિયો અસાધારણ એન્જિનીયરિંગ ક્ષમતા ધરાવે છે. વળી ભારતીય બજાર પ્રચૂર સંભવિતતા ધરાવે છે. અમને મુકેશ અંબાણી અને ટીમ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. અમે રિલાયન્સ અને જિયોને જિયો મિશનને આગળ વધારવામાં મદદ કરીશું.'

અંદાજે ૪૦ અબજ ડોલરની સંયુકત એસેટ અંડર મેનેજમેન્ટ અને પ્રતિબદ્ઘ મૂડી તથા વિશ્વની ટોચની ટેક અને ટેક-અનેબલ્ડ તકો સાથે સિલ્વર લેક મોટા પાયે ટેકનોલોજી રોકાણ કરવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર છે. એનું મિશન આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્ત્।ાયુકત અને વિશ્વસનિય મેનેજમેન્ટ ટીમો સાથે પાર્ટનરશિપ કરીને શ્રેષ્ઠ, અસરકારક અને સાતત્યપૂર્ણ કામગીરી ધરાવતા અગ્રણી કંપનીઓનું નિર્માણ કરવાનું છે. એનું રોકાણ એરબીએનબી, અલીબાબા, આન્ટ ફાઇનાન્સિયલ, આલ્ફાબેટ્સ વેરિલી અને વેમો યુનિટ્સ, ડેલ ટેકનોલોજીસ, ટ્વિટર અને વિશ્વની અન્ય અનેક ટેકનોલોજી અગ્રણી કંપનીઓમાં છે.

આ સોદો નિયમનકારક અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે.

આ સોદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને કાયદાકીય સલાહકારો એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ છે.

(4:05 pm IST)