Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રફ હિરાની આયાત એક મહિના માટે ઘટે તેવી વકી

કોરોનાના કારણે માંગમાં ઘટાડો

નવી દિલ્હી, તા.૩ : કોવિડ-૧૯ના ફેલાવાના કારણે વિશ્વના હીરા અને ઝવેરાત બજારમાં માંગ ઘટી હોવાથી ભારતનો ડાયમંડ ઉદ્યોગ ૧૫મી મેથી એક મહિના માટે રફ હીરાની આયાત ઘટાડી દે તેવી શક્યતા છે. ડાયમંડ બિઝનેસનાં મુખ્ય એસોસિયેશનો જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ,  ભારત ડાયમંડ બુર્સ, મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશન, સુરત ડાયમંડ બુર્સ અને સુરત ડાયમંડ એસોસિયેશને તેમના સભ્યોને વિનંતી કરી છે કે તે ૩૦ દિવસ માટે રફ હીરાની આયાત નિયંત્રિત કરે. આ પગલાથી બેન્કરોને સંકેત આપશે કે આ બિઝનેસના લીધે તેમના દેવામાં વધારો નહીં થાય અને તેઓ આ સેક્ટરને સપોર્ટ આપવાનો આત્મવિશ્વાસ ધરાવતા થશે.

         પહેલી એપ્રિલના રોજ આ સેક્ટર પર બેન્કોનું ૯.૫ અબજ ડોલરનું દેવું હતું. ભારત દ્વારા એપ્રિલ ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન રફ હીરાની આયાત અગાઉના વર્ષના સમાન સમયગાળાના ૧૩.૪૩ ટકા ઘટીને ૧૨.૩૯ અબજ ડોલર થઈ છે. કોવિડ-૧૯ રોગચાળાએ હીરા અને ઝવેરાતના કારોબારને સંપૂર્ણપણે થંભાવી દીધો છે. એક મહિના સુધી રફ હીરાની આયાતને સસ્પેન્ડ કરવાના પગલાના લીધે ડાયમંડ પાઇપલાઇનમાં બહુ ઓછા રફ હીરા પ્રવેશી શકશે અને તેના લીધે ઉત્પાદકોએ તેમના ફાઇનાન્સ પર ઓછી તકલીફનો સામનો કરવાનો આવશે.

(12:00 am IST)