Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલને તમાચો પડ્યો

ભાજપનો હાથ હોવાનો એએપીનો આક્ષેપ : તમાચો મારનારો શખ્સ કેજરીવાલથી નાખુશ : દિલ્હીના કૈલાસપાર્કના નિવાસી શખ્સ સુરેશની ધરપકડ કરી લેવાઈ

નવી દિલ્હી, તા. ૪ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક શખ્સે રોડ શો દરમિયાન આજે જોરદાર તમાચો મારી દેતા ઉત્તેજના વધી ગઈ હતી. આ ઘટના તે વખતે બને હતી જ્યારે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બ્રજેશ ગોયલ માટે પ્રચાર કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટના કહેવા મુજબ અરવિંદ કેજરીવાલને થપ્પડ મારનાર શખ્સ કેજરીવાલથી ખૂબ નાખુશ હતો. નવી દિલ્હી લોકસભા સીટના મોતીનગર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ ખુલ્લી ગાડીમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ યુવક એકાએક ગાડી પર આવી ગયો હતો અને કેજરીવાલને તમાચો મારી દીધો હતો. કેજરીવાલને તમાચો મારનાર શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે. આ શખ્સનું નામ સુરેશ તરીકે હોવાનું જાણવા મળ્યું છે જે દિલ્હીના કૈલાસપાર્ક વિસ્તારમાં રહેનાર નિવાસી છે. હાલમાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલની ગાડી પર એકાએક આ શખ્સ પહોંચી ગયો હતો. તમાચા મારનાર શખ્સને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તરત જ પકડી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સોસિદીયાએ સીધી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યા હતા અને બંનેને હુમલા માટે જવાબદાર ઠેરવ્યા હતા. સિસોદીયાએ કહ્યું હતું કે મોદી અને અમિત શાહ કેજરીવાલની હત્યા કરાવવા માટે ઈચ્છુક હતા કે કેમ. પાંચ વર્ષ તમામ તાકાત લગાવીનું મનોબળ તોડી શક્યા નથી. ચુંટણીમાં હરાવી શક્યા નથી પરંતુ હવે રસ્તા પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આ ઘટના પર ટ્વીટ કરીને કહ્યું છે કે કેજરીવાલની સુરક્ષામાં ખામી દેખાઈ આવી છે. પાર્ટીએ આને વિપક્ષ દ્વારા પ્રાયોજિત ઘટના તરીકે ગણાવીને ઝાટકણી કાઢી છે અને નિંદા કરી છે. આનાથી દિલ્હમાં આમ આદમી પાર્ટીને રોકી શકાશે નહીં. બીજી બાજુ બાજુ આક્ષેપોને લઈને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આના માટે કેજરીવાલ પોતે જવાબદાર છે. ભાજપના પ્રવક્તા જફર ઈસ્લામે કહ્યું હતું કે દિલ્હીની પ્રજા અરવિંદ કેજરીવાલથી ખૂબ નારાજ છે. તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકરો આ પ્રકારની ભુલ કરી શકે નહીં. કાર્યકરો આ પ્રકારની બાબતોમાં વિશ્વાસ રાખતા નથી. ભાજપના વરિષ્ઠ નેતા મનોજ તિવારીએ કહ્યું હતું કે કોઈપણ શખ્સ રેલીમાં આવે તે યોગ્ય નથી પરંતુ અમે આ ઘટનાને વખોડીએ છીએ.

(9:45 pm IST)