Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

૧૪ જેટલી મહત્વની બેઠકો પણ યોજી

શું એનર્જી છે ? શું સ્ફુર્તિ છે ? મોદી રોજ ૨ થી ૩ રેલી કરે છે : ૧૨૫ દિ'માં ૨૦૦ જેટલા કાર્યક્રમ કર્યા

નવી દિલ્હી તા. ૪ : ચૂંટણીની સિઝનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ ૨ થી૩ રેલીઓ કરી રહ્યા છે. એટલું જ નહીં ૨૫ ડિસેમ્બર પછી ૧૨૫ દિવસમાં તેમણે કુલ ૨૭ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૨૦૦ કાર્યક્રમો કર્યા છે. વડા પ્રધાન મોદી સત્તાવાર વેબસાઈટમાંથી મળેલી જાણકારી અનુસાર આ કાર્યક્રમોમાં મોટા ભાગના કાર્યક્રમ ચૂંટણીલક્ષી હતા. નરેન્દ્ર મોદીની વેબાસાઈટ narendramodi.in ના રિપોર્ટ અનુસાર વડા પ્રધાને એકલા દિલ્હીમાં જ ૩૦ કાર્યક્રમોમાં ખાસ હાજરી આપી હતી.

આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીની ૧૪ બેઠક મોદીએ યોજી હતી. આ આંકડો સમગ્ર કહાની કહે છે. જે પીએમના કામ કરવાની ક્ષમતા દર્શાવે છે અને મલ્ટિ ટાસ્કિંગ વર્કથી વાકેફ કરાવે છે. પીએમ મોદીના વ્યસ્ત કાર્યક્રમનો અંદાજો તેમની જમ્મુ કાશ્મીર મુલાકાત પરથી જ લઈ શકાય છે. ફેબ્રુઆરીમાં મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જયાં તેમણે એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી ૨૦૧૯ બાદ વડા પ્રધાન મોદીએ આસામ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ ચૂંટણીપંચે જાહેર કરેલી આચારસંહિતા પહેલા નક્કી હતા. આ દરમિયાન આંતરમાળખાકીય પ્રોજેકટ અને ઊર્જા તથા કૃષિ જેવા ક્ષેત્ર પર ફોકસ રહ્યું હતું. ૧ ફેબ્રુઆરીના રોજ NDAએ સરકારે બે મહત્ત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન અને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની જાહેરાત કરી હતી. ૨૪ ફેબ્રુઆરીના રોજ પીએમએ ગોરખપુર જઈને પીએમ કિસાન સન્માન જયારે ૫ માર્ચના રોજ અમદાવાદ જઈને શ્રમયોગી માનધન યોજનાનું લોકાર્પણ કર્યું હતું.

આ જ સમયગાળા દરમિયાન મોદીએ પ્રયાગરાજ જઈને પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. આ ઉપરાંત ત્યાં ગંગાઆરતી પણ કરી હતી. વેબસાઈટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં કુંભમેળા હાજરી આપનારા નરેન્દ્ર મોદી પ્રથમ વડા પ્રધાન છે. છેલ્લા ૧૫૦ દિવસમાં મોદી પાંચ વખત પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. આ સિવાય ૪ માર્ચના રોજ અમેઠી ગયા હતા અને એકે ૨૦૩ ગન બનાવવા માટે રાયફલનું ઉદઘાટન કર્યું હતું.

(11:46 am IST)