Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

SC /ST ના બંધારણ મુજબના અધિકારોની સુરક્ષા નહિ થાય તો... ભારતમાં અલગ હરિજિસ્તાનની માગણી ફરીથી ઉઠશે

જેડીયુના નેતા રમઈ રામ દ્વારા રાજનીતિને ખતરનાક વળાંક આપવા પ્રયાસ

 

નવી દિલ્હી :એસસી-એસટી એક્ટના વિવાદ પર બિહારના પૂર્વ પ્રધાન અને શરદ યાદવના જૂથના જેડીયુના નેતા રમઈ રામે દલિતો માટે હરિજિસ્તાનનો મુદ્દો ઉઠાવીને રાજનીતિને ખતરનાક વળાંક આપવાની કોશિશ કરી છે.અને ભારત બંધના એલાનને રમઈ રામે ઐતિહાસિક ગણાવી બંધ વખતે જીવ ગુમાવનારાઓને શહીદનો દરજ્જો આપવા માગણી પણ કરી છે.

   એસસી-એસટી એક્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના પૂર્વ પ્રધાન અને શરદ યાદવ જૂથના જેડીયુના નેતા રમઈ રામે કહ્યુ છે કે જો દેશના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકાર આપવામાં નહીં આવે અને અધિકારોની સુરક્ષા નહીં કરવામાં આવે, તો ભારતમાં અલગ હરિજિસ્તાનની માગણી ફરીથી ઉઠે તેવી શક્યતા છે. આઠ ટર્મ બિહાર વિધાનસભાના ધારાસભ્ય રહી ચુકેલા રમઈ રામે કહ્યુ છે કે સમાજના નબળા વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારોમાં ઘટાડો કરવાની કોશિશ થઈ રહી છે.

  બાબાસાહેબ આંબેડકર દ્વારા આઝાદી સમયે પાકિસ્તાન બાદ હરિજિસ્તાનની માગણી ઉઠાવવાના મામલાનો પણ રમઈ રામે ઉલ્લેખ કર્યો છે. રમઈ રામે કહ્યુ છે કે 70 વર્ષો સુધી સરકારે સમાજમાં ભાઈચારો અને પ્રેમ જાળવી રાખ્યા પરંતુ હાલની સરકારની નજર અનુસૂચિત જાતિના કાયદા સંમત અધિકારો પર છે. હવે વર્ગની સુરક્ષા અને વિકાસની વાતને પણ પાછળ રાખાઈ રહી છે.

   બિહારના મુઝફ્ફપુરમાં મંગળવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રમઈ રામે કેન્દ્રીય પ્રધાન અને લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને પણ નિશાને લીધા હતા. રમઈ રામે ક્હ્યુ છે કે પાસવાન દલિત સમાજના હિતની વાત કરવાના સ્થાને પોતાના પરિવારને ફાયદો પહોંચાડવા માટે મોદી સાથે મળીને રાજકારણ ખેલી રહ્યા છે. બીજી એપ્રિલના અનુસૂચિત જાતિ સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણે બંધના એલાન દરમિયાન જીવ ગુમાવનારાઓ માટે શહીદના દરજ્જાની માગણી કરી હતી. તેમણે આવા લોકોના પરિવારો માટે આર્થિક મદદ અને સામાજિક સમ્માનની પણ માગણી કરી છે.

રમઈ રામનો દાવો છે કે હાલની કેન્દ્ર સરકાર કોર્ટ અને કાયદાની અડચણોની આડમાં અનુસૂચિત જાતિને મળનારી બંધારણીય સુવિધાઓથી વંચિત કરી રહી છે. સરકાર માત્ર તેમની ઉપેક્ષા કરી રહી નથી પરંતુ તેમની સાથે ભેદભાવ પણ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે નીતિશ કુમારની આગેવાનીવાળા જેડીયુમાંથી બળવો કરનારા શરદ યાદવની સાથે જ રમઈ રામને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

(9:56 pm IST)