Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

યુપીનાં પ્રયાગરાજમાં મુખ્તાર અન્સારી ગેંગનાં મનાતા બે શૂટર એન્કાઉન્ટમાં ઠાર

બદમાશો 50,000 નાં ઇનામી અને રાજકીય શખ્સની હત્યાનાં ઇરાદે પ્રયાગરાજ આવ્યા : બંને ગુનેગારોનો લાંબો ગુનાહિત ઇતિહાસ .

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ગુરુવારે સવારે યુપી એસટીએફ અને બે બાઇક સવાર બદમાશો સામ-સામે આવી ગયા હતા. ઘેરાબંધી દરમિયાન બાઇક સવાર બદમાશોઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના પર એસટીએફે પણ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. ફાયરિંગમાં બંને બદમાશો ઘાયલ થયા હતા. પોલીસે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ કે આ બદમાશો 50,000 નાં ઇનામી છે અને તે રાજકીય શખ્સની હત્યાનાં ઇરાદે પ્રયાગરાજ આવ્યા હતા.

એસટીએફનાં જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં ઠાર થયેલા બંને બદમાશોનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે, ભદોહીમાં આ બંનેની હિસ્ટ્રીશીટ પણ ખોલવામાં આવી છે. ઘણા લાંબા સમયથી બંને બદમાશો હત્યા અને ખંડણીને અંજામ આપી રહ્યા હતા. બંને પર વર્ષ 2013 માં વારાણસીનાં ડેપ્યુટી જેલર અનિલકુમાર ત્યાગીની હત્યાનો પણ આરોપ છે. એવું કહેવામાં આવે છે કે, માફિયા મુખ્તાર અન્સારી અને મુન્ના બજરંગીનાં કહેવા પર આ બંનેએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. એસટીએફ પ્રયાગરાજ યુનિટનાં સીઓ નવેન્દુ સિંહે જણાવ્યું કે બંને ગુનેગારોનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે.

  સીઓ એસટીએફ નવેન્દુ સિંહે જણાવ્યું હતું કે, મુખ્તાર અંસારી અને મુન્ના બજરંગી ગેંગ માટે કામ કરતા બે સુપારી કિલર વિશે માહિતી મળી હતી. મુન્ના બજરંગીનાં અવસાન પછી ખબર પડી કે ભદોહીનાં 50 હજાર ઈનામી વકીલ પાંડે અને અમજદ ઉર્ફે પિન્ટુએ ચાકાનાં પૂર્વ બ્લોક ચીફ દિલીપ મિશ્રા માટે કામ કરવાનું શરૂ કર્યું. આ માહિતી પર એસટીએફની ટીમે ગુરુવારે સવારે નૈની સોમેશ્વર નાથ મંદિર તિરહા પાસે તપાસ કરી હતી. આ સમય દરમિયાન બાઇક સવાર બે બદમાશો ત્યાથી પસાર થયા હતા. એસટીએફને જોઇને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘેરાબંધી કરીને એસટીએફે પણ ફાયરિંગ કરવાનું શરૂ કર્યુ, જ્યાં બંને બદમાશો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સ્વરૂપરૂરાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા

(10:55 am IST)