Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ત્રાસવાદીઓ સામે એક્શન લેવા ઇરાનની પણ ચેતવણી

પાકિસ્તાનના દાવામાં તાકાત દેખાતી નથી : ઇરાન : અણુ બોંબ તેમજ તમામ હથિયારો હોવાની વાતો કરનારા પાકિસ્તાન આતંકવાદીઓને ખતમ કરવા પણ સક્ષમ નથી

નવી દિલ્હી, તા. ૪ : પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનો ખાત્મો કરવા એક પછી એક પગલા ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વના દેશો પણ એકમત થઇ રહ્યા છે. હવે ઇરાને પણ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સામે લાલ આંખ કરી છે. છેલ્લા સપ્તાહથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર સંઘર્ષની સ્થિતિ થયેલી છે ત્યારે ઇરાનિયન સરકાર અને સશસ્ત્ર દળોમાં નેતાઓ પણ પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે જોરદાર કાર્યવાહી કરવાની ઇરાને પણ ધમકી આપી છે. ઇરાને આતંકવાદી સંગઠનોનો ખાત્મો કરવા ભારત સાથે સુર પુરાવ્યા છે. આઈઆરજીસી ફોર્સના ઓલ પાવરફુલ કમાન્ડર કાશીમ સોલેમનીએ પાકિસ્તાન સરકાર અને તેેની સેનાને ચેતવણી આપતા કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર માટે પણ તેમનો આજ પ્રશ્ન છે. પાકિસ્તાન સરકાર હાલમાં કઇ દિશામાં આગળ વધી રહી છે. પડોશી દેશો સાથે સરહદો ઉપર અંધાધૂંધી જાળવી રાખવાના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમણે પ્રશ્નો કરતા કહ્યું છે કે, બિનજરૂરીરીતે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે પ્રશ્નો કરતા કહ્યું છે કે, પાકિસ્તાન પોતાની પાસે પરમાણુ બોંબ હોવાની વાત કરે છે. ઘાતક હથિયારો હોવાની વાત કરે છે. ભારતને ચેતવણી આપવાની વાત કરે છે ત્યારે આ પ્રદેશમાં ખુબ ઓછી સંખ્યામાં રહેલા આતંકવાદીઓને ખતમ કરવામાં પણ પાકિસ્તાન કેમ સક્ષમ થઇ રહ્યું નથી. પાકિસ્તાને ઇરાનની પ્રતિબદ્ધતાની કસોટી કરવી જોઇએ નહીં. ભારત અને ઇરાન હાલના વર્ષોમાં આતંકવાદ વિરોધી સહકારને સતત વધારી રહ્યા છે. વિદેશ સચિવ વિજય ગોખલે ટૂંક સમયમાં જ ઇરાનની યાત્રા કરનાર હતા પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે કટોકટી વધી ગયા બાદ આ યાત્રાને મોકૂફ કરવામાં આવી હતી. વિદેશ સ્તર પર વાતચીત થનાર હતી. ઇરાનિયન સંસદની વિદેશ પોલિસી કમિશનના ચેરમેને કહ્યું છે કે, ઇરાન પાકિસ્તાન સાથે સરહદ ઉપર દિવાલનું નિર્માણ કરવા ઇચ્છુક છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આતંકવાદને રોકવા માટે ઇરાન પાકિસ્તાનની અંદર પણ કાર્યવાહી કરવા ખચકાશે નહીં. જો પાકિસ્તાન ત્રાસવાદને રોકશે નહીં તો આ પગલા ઇરાન લેશે. ઇરાનના સુપ્રીમ લીડર પમ કહી ચુક્યા છે કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો ઘણા વર્ષોથી સક્રિય રહ્યા છે પરંતુ પાકિસ્તાને કોઇ પગલા લીધા નથી.

(7:21 pm IST)