Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

દેશના ભાગલાના ઘણા સમય પહેલા 'જીણા'ને મૌલાના હશમત અલીખાને ૭૦ સવાલો પૂછયા'તાઃ જે પુસ્તક આજે પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે !

પાકિસ્તાન બનાવવાના વિરોધમાં પહેલો અવાજ ૧૯૪૭માં પીલીભીત શહેરથી ઉઠયો હતો

પીલીભીત, તા. ૪ :. ભારત દેશના ભાગલાને લઈ મોહંમદઅલી જીણા દ્વારા શરૂ થયેલી ચળવળ વિરૂદ્ધ સૌ પ્રથમ પીલીભીત શહેરથી અવાજ ઉઠયો હતો. આ અવાજ ઉઠાવનારા મૌલાના મુહંમદ હશમત અલીખાને ભાગલાના ઘણા સમય પહેલા જ એક પુસ્તક લખ્યું હતું. જેમાં જીણાથી ૭૦ સવાલો પૂછયા હતા જે પુસ્તક ઉપર આજ સુધી પાકિસ્તાનમાં પ્રતિબંધ લાગેલો છે.

ઉત્તર પ્રદેશના હિન્દી દૈનિકમાં પ્રસિદ્ધ થયેલા વિસ્તૃત અહેવાલ મુજબ પીલીભીત શહેરમાં આવેલ મશહુર દરગાહ હશમતીયાહના ગાદિપતિ મૌલાના ઝરતાબ રઝાખાને જણાવ્યું હતુ કે, ભારત દેશમાં 'મુસ્લિમ લીગ'ની સ્થાપના પછી જીણા ભારતથી અલગ થઈને એક નવા રાષ્ટ્ર બનાવવા ઈચ્છતા હતા જેનો મૌલાના હશમત અલીખાન સાહેબએ વિરોધ કર્યો હતો.

સને ૧૯૪૨મા જીણાએ મુસ્લિમ લીગ દ્વારા બનારસમાં એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં દેશના મોટા મોટા મૌલવીઓએ હાજરી આપી હતી પણ મૌલાના હશમત અલીખાન સાહેબે તેનો વિરોધ કરી કહ્યું કે અમે ભારતનું વિભાજન ઈચ્છતા નથી.

તેઓએ એ સમયે સાફ કહ્યું હતુ કે, અમો આ દેશમાં જન્મ્યા છીએ અને આ દેશની ધરતી ઉપર અંતિમ શ્વાસ લેશું. મૌલાના હશમત અલીખાન સાહેબ એ સમયે સારા વકતા તરીકે જાણીતા હતા જેથી જીણાએ તેઓને કહેલ કે, તમો જો પાકિસ્તાનને સમર્થન આપશો તો તમોને એક રાજ્યના ગવર્નર બનાવી દેશું તેવી લાલચ જીણાએ આપી હતી.

જેનો મુંહતોડ જવાબ દેતા મૌલાના હશમત અલીખાન સાહેબ એ કહ્યું હતું કે દેશનો સોદો અમે નથી કરી શકતા. આટલુ બધુ થતાં તેઓને ગાંધીના હિમાયતી ગણવામા આવ્યા જેથી તેઓ ગુજરાત જઈને ઈસ્લામ અને દેશ ઉપર એક સાથે બત્રીસ પ્રવચનો કર્યા આમ છતા પણ ૧૪-૮-૧૯૪૭માં અંતે પાકિસ્તાન બનીને રહ્યું તો મૌલાના હશમત અલીખાન સાહેબએ સતત ત્રણ માસ સુધી કોઈ સાથે વાતચીત ન કરેલ.

પાકિસ્તાનનું સમર્થન નહીં કરતા તેઓના મકાન ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. આમ છતાં પણ તેઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા. જે પછી તેઓના સમર્થનમાં અનેક લોકો જોડાયા.

ખાસ વાત તો એ છે કે જીણાને જે સવાલો કર્યા હતા તેનો જવાબ હજુ સુધી કોઈ પાસે નથી. તેઓએ કહ્યુ હતુ કે અજમેર ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ, આ'લા - હઝરત (બરૈલી)ની દરગાહની જે મસ્જીદોમાં તેઓએ નમાઝ પઢી છે તેને જો પાકિસ્તાન લઈ જઈ શકતા હો તો પાકિસ્તાન આવવા તૈયારી છે તેનો જવાબ મળ્યો નથી.

સને ૧૯૬૦માં મૌલાના હશમત અલીખાનએ આ દુનિયાનો ત્યાગ કર્યો હતો પણ ભારત દેશ માટે તેઓએ આપેલ યોગદાનની ઘણી જ ચર્ચા રહી છે. તેઓ માત્રને માત્ર 'શેરૈબેશએ સુન્નત' અને 'મઝહરે આ'લા-હઝરત' તરીકે સુન્ની સંપ્રદાયમાં આજે પણ મશહૂર છે. સુન્ની સમાજના વડા અને આ'લા હઝરત તરીકે જાણીતા ઈમામ અહેમદ રઝાખાન ફાઝીલે બરૈલ્વી એ તેઓને પોતાના આધ્યાત્મિક સુપુત્ર માન્યા હતા.

૧૯૯૯માં તેઓના સૌથી મોટા પુત્ર હઝરત મૌલાના મુફતી મુશાહિદ રઝાખાન સાહેબ પણ પોતાના પિતાના પગલે ચાલી સુન્ની સમાજની સેવા કરી ચાલ્યા ગયા અત્યારે તેઓના સુપુત્ર મૌલાના ઝરતાબ રઝાખાન પીલીભીત (ઉત્તર પ્રદેશ)ની ખાનકાહે હશમતીયાહના ગાદિપતિ છે.

મૌલાના હશમત અલીખાન સાહેબ એ ભારત દેશની આઝાદીમાં જે યોગદાન આપેલ છે અને પાકિસ્તાનનો જે જાહેર વિરોધ કરેલ છે જેનાથી ભારતવાસી મુસ્લિમોનું માન વધી ગયુ છે, પરંતુ એથી પણ મોટી વાત એ છે કે, તેઓએ ધર્મની રક્ષા કરવા સાથે ભટકી ગયેલા મુસ્લિમોને સાચો માર્ગ દેખાડતા ખોટા કૃત્યોથી બચાવ્યા છે.

આજે પણ પીલીભીત જીલ્લામાં તેઓના જ મોટા સુપુત્ર મૌલાના માસુમ રઝાખાન સાહેબ 'મુફતી'ના પદ ઉપર જ રહ્યા છે અને સાથે તેઓના પૌત્ર મૌલાના બુરહાન રઝાખાન કોઈપણ મોટી સમસ્યા વખતે જાહેરમાં મુસ્લિમોની કાજે સામનો કરી રહ્યા છે. આમ આજે પણ મૌલાના હશમત અલીખાન સાહેબનો જ સિક્કો ચાલી રહ્યો છે.

(10:13 am IST)