Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સોમવારે LIC કર્મચારીઓના દેશભરમાં દેખાવો

LICનો IPO લાવવાના તથા વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધારવાના વિરોધમાં યુનિયનોની લડત...

રાજકોટ,તા. ૪: કેન્દ્રીય નાણામંત્રીએ તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં જીવન વીમા ક્ષેત્રમાં વિદેશી મુડી રોકાણનું પ્રમાણ ૪૯ % થી વધારી ૭૪ % સુધી લઇ જવાની કરેલી દરખાસ્ત તથા એલ.આઇ.સીનો આઇપીઓ બહાર પાડીને તેના ખાનગીકરણની કરેલી દરખાસ્તથી એલઆઇસી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ તથા કર્મચારીઓના સંગઠનોમાં ભારે રોષ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ભાજપ સરકારના આ પગલાના વિરોધમાં અગ્રણી યુનિયનોએ એક મંચ ઉપર આવી તા. ૮મીએ સોમવારે બપોરે ૨ થી ૨ : ૩૦ સુધીની રીસેસ દરમ્યાન દેશભરની એલઆઇસી કચેરીઓમાં દેખાવો કરવાનો કાર્યક્રમ યોજવાનું એલાન આપીને વિરોધનું બ્યુગલ વગાડ્યું છે.

એલઆઇસી ઓફ ઇન્ડીયાના વર્ગ -૧ના અધિકારીઓના સંગઠન 'ફેડરેશન ઓફ LIC કલાસ-૧ ઓસિર્સ એસોસીએશન'ના સેક્રેટરી એસ. રાજકુમાર, વર્ગ -૨ના નિકાસ અધિકારીઓના સંગઠન 'નેશનલ ફેડરેશન ઓફ ઇન્સ્યુરન્સ ફલ્ડ વર્કસ ઓફ ઇન્ડીયા' ના સેક્રેટરી વિવેકસિંઘ, વર્ગ-૩ ના કર્મચારી સંગઠન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસીએશન (AIIPEA)ના સેક્રેટરી શ્રીકાંત મિશ્રા તથા ફેડરેશનના રાજેશકુમાર સહિતના રાષ્ટ્રીય લીડરોએ એક સંયુકત નિવેદનમાં જોઇન્ટ ફ્રન્ટના નેજા હેઠળ તા. ૮ મીએ સોમવારે રીસેસમાં દેખાવો કરવાના કાર્યક્રમનું એલાન આપ્યું છે. નફાકારક અને રાષ્ટ્રીય અર્થ તંત્રમાં મહત્વનું યોગદાન આપતી એલઆઇસી જેવી પ્રગતિશીલ સંસ્થાના ખાનગીકરણની પ્રક્રિયા પડતી નહી મૂકાય તો યુનિયનો વધુ ઉગ્ર કાર્યક્રમો આપશે તેમ જાહેર કરાયું છે.

(3:21 pm IST)