Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જંગ માટે ભાજપના મુરતીયાઓ જાહેર

ભાજપમાં જૂના જોગીઓ-નવા ચહેરાઓનો સંગમ

પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ડે. મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપના મહામંત્રી દેવાંગ માંકડ, પૂર્વ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન મનિષ રાડીયા, આરોગ્ય સમિતીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકર, નેહલભાઈ શુકલ, પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, નરેન્દ્રભાઈ ડવ વગેરેના નામ પર મંજુરીની મ્હોર લાગીઃ કાલે વિજય મુહુર્તમાં તમામ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે : ઉમેદવારોની યાદીમાં ૧૨ રીપીટઃ ૬ જૂના જોગીઓ ચૂંટણી લડે છેઃ બાકીના નવા ચહેરાઓ ઉપર ભાજપે જુગાર ખેલ્યો કયા મોટા માથા ચૂંટણી નથી લડતા ? : કમલેશભાઈ મિરાણી, ઉદયભાઈ કાનગડ, નીતિનભાઈ ભારદ્વાજ, જયમનભાઈ ઉપાધ્યાય, બીનાબેન આચાર્ય, કશ્યપ શુકલ, અનિલ રાઠોડ, બાબુભાઈ આહિર, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, રાજુ અઘેરા

રાજકોટ, તા. ૪ :. ગુજરાત વિધાનસભાના ટ્રેલર સમી રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના અનુસાર આ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જૂના જોગીઓની સાથે અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. ૭૨ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા મુખ્ય ઉમેદવારોમાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂ ર્વ ડે. મેયર દર્શિતાબેન શાહ, ભાજપના શહેર મહામંત્રી દેવાંગ માંકડ, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મનિષ રાડીયા, પૂર્વ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા નેહલભાઈ શુકલ, પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા વગેરેના નામોનો સમાવેશ થાય છે. ભાજપે જાહેર કરેલી યાદીમાં મહિલાઓ, યુવાનો, શિક્ષણશાસ્ત્રીઓ વગેરેની પસંદગી કરી છે. એટલુ જ નહીં દરેક જ્ઞાતિને પૂરતુ પ્રતિનિધિત્વ મળે તેવો પણ પ્રયાસ કર્યો છે.

આજે બપોરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ માટે બપોરથી તબક્કાવાર નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે દરેક બેઠક પર લગભગ ૬૦થી ૭૦ કાર્યકરોએ ટીકીટ માગી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આવતીકાલે તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો વિજય મુહુર્ત એટલે કે બપોરે ૧૨.૩૯ કલાકે ઉમેદવારી પત્રો ભરશે. તેમણે કહ્યુ હતુ કે દરેક બેઠક પર વિજય બને તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે ભાજપ દ્વારા સૌ પ્રથમ જામનગર, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે જે પછી અન્ય ત્રણ શહેરોના ઉમેદવારોના નામો જાહેર થશે. ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમા ફેરફારથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ બેવડાયો છે અને આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાઓને તક મળી છે. આ નવા નિયમોથી વિવિધ કેમ્પ કે જુથના દાવેદારોને તક અપાતી હતી પરંતુ આ નિયમથી જુથવાદનું રાજકારણ નબળુ પડશે અને નવા લોહીને તક મળશે.

અત્રે નોંધનીય છે કે હાલના કોર્પોરેશનમાં ૭૨માંથી ૪૦ બેઠકો ભાજપ પાસે હતી અને ૩૨ કોંગ્રેસ પાસે હતી.

કઇ જ્ઞાતિના કેટલા ઉમેદવારો ?

બ્રાહ્મણ-૭, આહિર-૭, પટેલ-૧૫, રઘુવંશી-૨, ક્ષત્રિય-૪, બાકીના વણિક, દલિત વગેરે જ્ઞાતિઓમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે

(3:10 pm IST)