Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રિહાના અને થર્નબર્ગની ટિપ્પણી બાદ યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટની સ્પષ્ટતા-'અમે સુધારાનું સમર્થન કરીએ છીએ

ખેડૂત આંદોલન પર અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા : મતભેદોને વાતચીત થકી ઉકેલવા જોઈએ

નવી દિલ્હી, તા. ૪ : કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા પર રિહાના અને ગ્રેટા થર્નબર્ગની ટિપ્પણી બાદ વિવાદ વકરતો જોઈ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિવેદન જાહેર કરીને અમેરિકાનો મત સ્પષ્ટ કરી દીધો છે.

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ પ્રવકતાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, અમે શાંતિપૂર્ણ વિરોધને સંપન્ન લોકતંત્રની ઓળખ તરીકે જોઈએ છીએ. ભારતીય સુપ્રીમ કોર્ટની પણ આ મુદ્દા પર આજ મત ધરાવે છે. અમે તેનું સમ્માન કરીએ છીએ.

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમે મતભેદો સ્વીકારીએ છીએ. તેનું સમાધાન વાતચીતના માધ્યમથી નીકાળવાનું કામ કરે છે. અમેરિકા એવા પગલાનું સ્વાગત કરે છે, જે ભારતના બજારોમાં સુધારો કરે. કૃષિ સેકટરમાં સુધારાથી ખાનગી ક્ષેત્રને રોકાણનું બળ મળશે. જેનો સીધો લાભ ભારતને મળવાનું નક્કી છે.

જણાવી દઈએ કે, નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન પર પૉપ સિંગર રિહાના અને એકિટવિસ્ટ ગ્રેટ થર્નબર્ગની ટિપ્પણી બાદથી ભારતમાં આ મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે. બૉલિવૂડ સ્ટાર્સ, રાજકીય પાર્ટીઓના નેતાઓ અને અન્ય લોકોએ રિહાના અને થર્નબર્ગની ટિપ્પણીને બેજવાબદાર માની છે. આ ટ્વીટને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવીને તેની ટીકા કરવામાં આવી રહી છે. બોલિવૂડ સીંગર લત્તા મંગેશકર, ક્રિકેટર વિરાટ કોહલી, અનિલ કુંબલે, બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમાર , અજય દેવગન, કરણ જૌહર અને અનુપર ખેર સહિતની હસ્તિઓએ પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે.

(1:51 pm IST)