Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

યુગોથી ચાલી આવતી રાજય વ્યવસ્થા ફરી સ્થાપો : સુપ્રિમમાં પોકાર

રાજાઓ રાજયના માલિક ન હતા, ઈશ્વર વતી રાજય સંભાળનાર વહીવટદારો હતા : તેમને રાજય અને પ્રજા ભારત સરકારને હવાલે કરવાનો અધિકાર ન હતો : અનોખી અરજી દાખલ કરવા સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી

રાજકોટ, તા. ૪ : ભારત વર્ષમાં ચાર પુરૂષાર્થો અંતર્ગત અર્થ પુરૂષાર્થના ભાગરૂપે રાજાઓની રાજય વ્યવસ્થા હતી. ધર્માચાર્યોના આદેશ અને માર્ગદર્શનમાં આ વ્યવસ્થા ચલાવનાર વિવિધ રાજયના રાજાઓ અને કેન્દ્ર સ્થાને મેવાડના સમ્રાટ હતા. તેઓ અર્થ અને કામ પુરૂષાર્થ આચરવામાં કંટક રૂપ બનનારા તત્વોને દંડ આપી વ્યવસ્થા જાળવી રાખતા અને દુશ્મનોથી રાજયના સીમાડાઓ અને પ્રજાની રક્ષા કરતા. આ વ્યવસ્થા યુગો યુગોથી ચાલી આવતી હતી, તે છેક ૧૯૪૭ સુધી. અંગ્રેજો જતા જતા ભારતને એક વિચિત્ર બંધારણ આપી ગયા અને ભારતની રાજાઓની વ્યવસ્થાઓ ધ્વસ્ત કરી ચૂંટણી આધારીત લોકશાહી નામની વ્યવસ્થા પ્રજાને માથે ફટકારતા ગયા. એ વ્યવસ્થાયી ભારતની પ્રજા છેલ્લા ૭૫ વર્ષમાં ત્રાહી ત્રાહી પોકારી ગઈ છે. હાલ દેખાતા સર્વે દુષણોના મુળમાં આ અંગ્રેજી ટાઈપની લોકશાહી હોવાનું શ્રી સુમનભાઈ કામદાર જણાવે છે.

જૂની રાજય વ્યવસ્થા પાછી આવ્યા સિવાય ભારતની પ્રજાની સુખાકારી સંભવ નથી. એ વ્યવસ્થા પાછી લાવવા રાજકોટના સુશ્રાવક શ્રી સુમનલાલ કામદાર દાયકાઓથી પ્રયત્નશીલ છે. ગોંડલ - ધોરાજી વિ. પ્રદેશ ૧૯૪૭ પહેલા ગોંડલ રાજયમાં આવતુ. ગોંડલના ત્યારના મહારાજા શ્રી ભગવંતસિંહજી અને ત્યારબાદ મહારાજા શ્રી ભોજરાજજી હતા અને તેમના વારસદાર તરીકે હાલમાં મહારાજા શ્રી જયોતિન્દ્રસિંહજી છે.

શ્રી સુમનલાલ કામદારએ તેમના વકીલ શ્રી સી.એચ.ભીમાણી મારકત તા.૧૬-૫-૨૦૧૦ના રોજ મહારાજા શ્રી જયોતિન્દ્રસિંહજીને એક વિસ્તૃત કાયદાકીય નોટીસ બજાવીને ગોંડલ રાજયની સત્તા ફરી સંભાળવાની હાકલ કરી હતી. નોટીસમાં જણાવ્યુ હતું કે રાજાઓ તેમના રાજયના માલિક ન હતા અને તેઓ ઈશ્વર વતી રાજય સંભાળનારા વહીવટદારો હતા. તેથી તેમને રાજય અને પ્રજા ભારત સરકારને હવાલે કરવાનો અધિકાર ન હતો. શ્રી જે.જે. ગોહિલ - ગઢડા - ક્ષત્રિય અગ્રણીનો ઘણો જ સહયોગ છે.

આ નોટીસનો કોઈ જવાબ ન મળતા શ્રી સુમનભાઈએ ભારતની સર્વોચ્ચ અદાલતને એક અરજી ૨૦૧૭ની સાલમાં મોકલાવી હતી. છેલ્લા ૪ વર્ષના સતત પ્રયત્ન બાદ આ અનોખી અરજી સુપ્રિમ કોર્ટે દાખલ કરવા પરવાનગી આપી છે અને તે ટૂંક સમયમાં સુનાવણી માટે બોર્ડ પર લેવાશે. ઘણુ કરીને શ્રી સુમનલાલ કામદાર વ્યકિતગતરૂપે આ બાબત રજૂઆત અને દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરશે.

આ બાબતનો અંતિમ ચુકાદો તો પ્રભુના હાથમાં છે, પરંતુ જો ચુકાદા રાજાઓની રાજય વ્યવસ્થા ફરીથી બહાલ કરવા માટેનો આવશે તો તે આ દેશની પ્રજાના ભાગ્યોદય સમાન હશે. શ્રી સુમનલાલ કામદારએ એક યાદી દ્વારા પ્રજાને આ કેસની સફળતા બાબત હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

- સુમનલાલ કામદાર (રાજકોટ)

(11:36 am IST)