Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મોંઘવારી કયાં જઈ અટકશે ? આમા જીવવુ કેમ ? આમ આદમીનો એક જ સવાલ...

રાંધણ ગેસમાં ૨૫ વધ્યાઃ પેટ્રોલ-ડીઝલ થયા વધુ મોંઘા

દિલ્હીમાં રાંધણ ગેસનો બાટલો ૭૧૯નો થયો તો કોલકતામાં ૭૪૫ અને ચેન્નાઈમાં ૭૩૫નો થયોઃ પેટ્રોલ-ડીઝલમાં આજે લીટરે ૩૫-૩૫ પૈસા વધ્યાઃ નવા વર્ષમાં જ પેટ્રોલમાં રૂ. ૨.૯૪નો ભાવ વધારો થયો છેઃ ૧૦ મહિનામાં ૧૬ રૂ. વધ્યાઃ ડીઝલ પણ રૂ. ૨.૯૬ મોંઘુ થયું: ૧૦ મહિનામાં તેના ભાવમાં રૂ. ૧૪નો વધારો થયો

નવી દિલ્હી, તા. ૪ :. છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવમાં એકધારો ભાવ વધારો કરવામાં આવતા આમ આદમી માટે જીવવુ મુશ્કેલ બની ગયુ છે. એકધારી વધી રહેલી મોંઘવારીએ આમ આદમીના માસિક બજેટ વેરવિખેર કરી નાખ્યા છે. એકબાજુ તમામ ચીજવસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે સરકાર ઉંઘી ગઈ હોય તેવુ પ્રતિપાદિત થઈ રહ્યુ છે. આજે આમ આદમીને વધુ એક ઝાટકો લાગ્યો છે અને રાંધણ ગેસના બાટલામાં ઓચિંતો રૂ. ૨૫નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલુ જ નહિ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ૩૫-૩૫ પૈસાનો વધારો થતા બળતામા ઘી હોમાયુ છે.

ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આજે રાંધણ ગેસના બાટલામાં રૂ. ૨૫ વધાર્યા છે જ્યારે કોમર્શિયલ બાટલામાં રૂ. ૬ ઘટાડયા  છે. આ પહેલા એલપીજી સિલીન્ડર (૧૯ કિલો)ના ભાવ ૧૯૦ રૂ. પ્રતિ સીલીન્ડર વધાર્યા હતા. આજે ૨૫ના ભાવ વધારા સાથે દિલ્હીમાં બાટલાનો ભાવ ૭૧૯ થયો છે. ઓઈલ કંપનીઓ ૨જી ડીસેમ્બરે ૫૦ રૂ. વધાર્યા હતા અને ૧૫ ડીસે. ફરી ૫૦ વધાર્યા હતા. દિલ્હીમાં હવે બાટલો ૭૧૯નો, મુંબઈમાં પણ ૭૧૯નો થયો છે. કોલકતામાં ૭૪૫.૫૦ અને ચેન્નઈમાં ૭૩૫ ભાવ થયો છે. ૧૯ કિલો સિલીન્ડરનો ભાવ હવે રૂ. ૧૫૬૬ થયો છે.

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બન્નેમાં પ્રતિ લીટરે ૩૫-૩૫ પૈસા વધારવામાં આવ્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૮૬.૬૫નુ થયુ છે તો ડીઝલ ૭૬.૮૩નુ થયુ છે.

નવા વર્ષે પેટ્રોલના ભાવમાં ૨.૯૪ રૂ.નો વધારો થયો છે જ્યારે ૧૦ મહિનામાં પેટ્રોલ ૧૬ રૂ. મોંઘુ થયુ છે. ડીઝલ પણ ચાલુ વર્ષે રૂ. ૨.૯૬ મોંઘુ થયુ છે. ૧૦ મહિનામાં તેના ભાવમાં રૂ. ૧૪નો વધારો થયો છે.

મુંબઈમાં પેટ્રોલ ૯૩.૨૦, ડીઝલ ૮૩.૬૭, ચેન્નઈ ૮૯.૧૩ અને ૮૨.૦૪, કોલકતા ૮૮.૦૧ અને ૮૦.૪૧ થયુ છે.

પેટ્રોલના ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયુ છે અને તેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પડી છે. દરેક ચીજવસ્તુના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા છે. આ સંજોગોમાં આમ આદમીનો મરો થયો છે.

(10:23 am IST)