Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શશી થરૂર , તથા રાજદીપ સરદેસાઈ ,સહીત 6 પત્રકારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : ખેડૂત આંદોલન સમયે અશાંતિ ફેલાવતા નિવેદનો કરવા બદલ નોંધાયેલી એફઆઈઆર રદ કરવા માંગણી કરી : અમારા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર આર્ટિકલ 21 મુજબ વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા આર્ટિકલ 19 મુજબ વાણી સ્વાતંત્ર્યના ભંગ સમાન હોવાનું જણાવ્યું

ન્યુદિલ્હી : શશી થરૂર તથા પત્રકારો, ઇન્ડિયા ટુ  ડે ના રાજદીપ સરદેસાઈ,કારવાનના વિનોદ કે જોસે તથા અન્ય પત્રકારો મૃણાલ પાંડે, જાફર આગા, પરેશ નાથ અને આનંદ નાથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં ખેડૂત આંદોલન સમયે અશાંતિ ફેલાવતા નિવેદનો કરવા બદલ જુદી જુદી વ્યક્તિઓ દ્વારા નોંધાવેલી  એફઆઈઆર રદ કરવા માંગણી કરાઈ છે.

પિટિશનમાં જણાવ્યા મુજબ તેમના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર આર્ટિકલ 21 મુજબ વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા આર્ટિકલ 19 ( 1 એ  )  મુજબ વાણી સ્વાતંત્ર્યના ભંગ સમાન છે.

એક એફઆઈઆર પંકજ સિંહ નામક વ્યક્તિ દ્વારા ખેડૂત આંદોલન સમયે શાંતિનો ભંગ કરતા તથા ખોટી માહિતી ફેલાવતા નિવેદનો કરવાનો આક્ષેપ કરાતા ગુરુગામ પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી.જયારે બીજી એફઆઈઆર ઉપરોક્ત કારણોસર નોઈડામાં નોંધાઈ હતી.આ ઉપરાંત મધ્ય પ્રદેશ તેમજ દિલ્હીમાં પણ આવા કારણસર એફઆઈઆર નોંધાઈ હતી.જેમાં વાયર એડિટર સિદ્ધાર્થ વરદ્રાજનનો પણ એફઆઇઆરમાં સમાવેશ કરાયો હતો. જયારે એક ખેડૂત ઉપર ગોળીબાર કરી તેને મારી નાખવાના સમાચાર પ્રસિદ્ધ કરવા બદલ સરદેસાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક પર્વ ઉપર કૃષિ ધારા વિરુદ્ધ નીકળેલી રેલી સમયે હિંસા ફેલાવતા તથા શાંતિનો ભંગ કરતા સમાચારો ફેલાવવાનો એફઆઇઆરમાં આરોપ નોંધાયો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)