Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દિલ્હી-મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઇટ મોડી થતા અમુક યાત્રીઓનો પિત્તો હલી ગયો : ફ્લાઈટના સ્ટાફ સાથે કરી મારામારી : કોકપીટનો દરવાજો તોડવાની આપી સ્ટાફને ધમકી : માથાકૂટનો વિડીયો થયો ધૂમ વાયરલ : સમગ્ર બનાવ મામલે DGCA થયું આકરાપાણીએ

નવી દિલ્હીઃ દિલ્હી-મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કેટલાક યાત્રીકોએ ગુરૂવાર 2 જાન્યુઆરીએ ક્રૂ સાથે મારામારી કરી અને કોકપિટનો દરવાજો તોડવાની ધમકી આપી હતી. DGCA એર ઈન્ડિયા મેનેજમેન્ટને આવા યાત્રીકો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવાનું કહ્યું છે.
ગુરૂવારે તેની દિલ્હી-મુંબઈ ઉડાનમાં ટેકનિકલ સમસ્યાને કારણે મોડું થયું હતું. એક એરલાઇન અધિકારીએ જણાવ્યું કે, ગુરૂવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી-મુંબઈની ફ્લાઇટ મોડી થઈ હતી. કારણે કેટલાક યાત્રીકોએ કેબિન ક્રુના સભ્યોની સાથે મારામારી કરી તથા એર ઈન્ડિયાના બોઇંગ 747 વિમાનના કોકપિટના દરવાજાને તોડવાની ધમકી આપી હતી.
તેનો એક વીડિઓ વાયરલ થઈ રહ્યો છે. હાલ તો એર ઈન્ડિયાએ મેનેજમેન્ટ ક્રૂ પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હંગામાને કારણે ફ્લાઇટ 8 કલાક મોડી પડી હતી. મામલા પર હવે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ) હસ્તક્ષેપ કર્યો છે. તેમણે એર ઈન્ડિયા મેનેજમેન્ટને હંગામો કરનાર યાત્રીકો વિરુદ્ધ કડક પગલા ભરવાની માગ કરી છે.
તેના પર એર ઈન્ડિયાના અધિકારીએ નિવેદન આપ્યું કે, 'ગુરૂવારે સવારે 10.0 વાગ્યે AI 865ને ઉડાન ભરવાની હતી. પ્રવાસીઓ 9.15 કલાકે પ્લેનમાં બેસી ગયા હતા. વિમાનમાં કેટલિક સમસ્યા હતી. તેને યોગ્ય કરવાના નિષ્ફળ પ્રયાસ થયા હતા. અંતે યાત્રીકોને ઉતરવા માટે કહેવામાં આવ્યું હતું. પછી સાંજે આશરે 6 કલાકે બીજી ફ્લાઇટથી બધાને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. ફ્લાઇટ 8 કલાક મોડી પહોંચી હતી.'
હકીકતમાં, પ્લેન રનવે પર પહોંચીને ટેકનિકલ ખામીને કારણે પરત આવી ગયું હતું. જેથી કેટલાક યાત્રીકો કોકપિટની પાસે જઈને ઉભા થઈ ગયા હતા. તેમણે પાયલોટને બહાર આવીને ફ્લાઇટ શરૂ કરવાનું કારણ જણાવવા કહ્યું હતું. કેટલાકે કોકપિટનો દરવાજો તોડવાની ધમકી આપી હતી.

(10:59 pm IST)