Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગુરુનાનક જન્મસ્થળ નનકાના સાહિબ પર હુમલાને લઈ ભારત ખફા : વિશેષ ટીમ મોકલશે

ગુરુદ્ધારા પર હુમલા બાદ દેશભરમાં જોરદાર દેખાવો કરાયા : કોંગ્રેસ, ભાજપ, અકાળી દળ સહિતના જુદા જુદા પક્ષ દ્વારા પાકિસ્તાન હાઈ કમિશન નજીક જોરદાર દેખાવ : પાકિસ્તાન-ઇમરાન મુર્દાબાદના નારા લાગ્યા

નવીદિલ્હી, તા. : પાકિસ્તાનમાં ગુરુનાનક જન્મસ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર ગઈકાલે કરવામાં આવેલા હુમલા બાદ ભારતમાં જોરદાર નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ભારતમાં ચારેય બાજુ આને લઈને નારાજગી જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ, અકાળી દળ અને અન્ય પક્ષોએ આજે દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનની સામે જોરદાર દેખાવો કર્યા હતા. બીજી બાજુ દેશના જુદા જુદા ભાગોમાં પણ શિખ સમુદાયના લોકોએ માર્ગો ઉપર ઉતરીને પોતાની નારજગી વ્યક્ત કરી હતી. નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યા બાદથી શિખ સમુદાયના લોકો ફસાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર રજુ કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળી શકે છે કે, ભીડ દ્વારા લઘુમતિ સમુદાયના લોકો સામે ઘૃણાસ્પદ નારા લગાવ્યા હતા. સાથે સાથે ધર્મસ્થળ ઉપર પથ્થરમારો કર્યો હતો. પાકિસ્તાનની સુત્રોનું કહેવુ છે કે, ભીડનું નેતૃત્વ મોહમ્મદ હસનના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. શખ્સે એક શિખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરીને ધર્મ પરિવત્તન કરાવ્યું હતું. બીજી બાજુ ભારતમાં જોરદાર નારાજગી જોવા મળી રહી છે.

                 શિખ ગુરુ દ્વારા પ્રબંધક સમિતિએ ચાર સભ્યોના પ્રતિનિધિ મંડળને પાકિસ્તાન મોકલવાનું નિર્ણય કર્યો છે. શિખ ગુરુદ્ધારા પ્રબંધક સમિતિ અને શિરોમણી અકાળી દળના સભ્યોએ જોરદાર દેેખાવો કર્યા હતા. શિખ ગુરુદ્ધારા સમિતિ અને અકાળી દળના સભ્યોએ બપોરે એક વાગે ચાણક્યપુરી નજીક પાકિસ્તાન હાઈ કમિશનની પાસે દેખાવો કર્યા હતા. દેખાવકારોએ પાકિસ્તાન અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સામે જોરદાર નારેબાજી કરી હતી. શિખ સમુદાયના સભ્યોએ પાકિસ્તાની હાઈ કમિશનમાં દસ્તાવેજો પણ સોપ્યા હતા. પાકિસ્તાન હાઈ કમિશનમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ પણ જુદી જુદી રીતે પાકિસ્તાન હાઈ કમિશનની નજીક દેખાવો કર્યા હતા. દિલ્હી કોંગ્રેસના કાર્યકરોએ પાકિસ્તાન મુર્દા બાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નનકાના સાહિબ ગુરુદ્વારા પર કરવામાં આવેલા હુમલાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, નનકાના સાહિબ ગુરુદ્ધારા પર હુમલાની બાબત ખુબ ગંભીર છે. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનના નનકાના સાહેબમાં ગઈકાલે શુક્રવારના દિવસે મોડી સાંજે સેંકડોના ટોળાએ શીખના સૌથી પવિત્ર ધર્મસ્થળ પૈકી એક એવા નનકાના સાહેબ ગુરુદ્વારા પર જોરદાર પથ્થરમારો કર્યો હતો.

                ઘટના સાથે જોડાયેલા એક વિડિયોમાં કટ્ટરપંથી શીખ સમુદાયના લોકોને નનકાના સાહેબથી ભગાડી દેવા અને પવિત્ર શહેરનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી આપી રહ્યા હતા. કટ્ટરપંથીઓની ભીડ દ્વારા ગુરુદ્વારાને ઘેરી લેવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંદર ફસાઈ ગયા હતા. આના પરિણામ સ્વરુપે પ્રથમ વખત ગુરુદ્વારા જન્મસ્થાન નનકાના સાહેબમાં ભજન કિર્તનની કામગીરી અને અન્ય કાર્યક્રમોને રદ કરવાની ફરજ પડી હતા. ગુરુગોવિંદ સિંહના ગુરુપરબના પ્રસંગ પર અખંડ પાઠ રૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ભીડનું નેતૃત્વ ગયા વર્ષે નનકાના સાહેબની એક શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરીને લગ્ન કરવાના આરોપી મોહમ્મદ હસનના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શિરોમણી ગુરુદ્વારા કમિટિ પરિસ્થિતિની સમિક્ષા કરવા ચાર સભ્યોની ટીમને પાકિસ્તાન મોકલશે. ગુરુદ્ધારા જન્મ સ્થાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરતા એસજીપીસીના વડા ગોવિંદ સિંહ લોંગોવાલે પાકિસ્તાન સમક્ષ દોષિતોની સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોંગોવાલે કહ્યું છે કે, અમે ગુરુદ્ધારા નનકાના સાહિબ ઉપર હુમલાની નિંદા કરીએ છીએ. સાથે સાથે પાકિસ્તાન સરકાર સમક્ષ દોષિતોની સામે કઠોર કાર્યવાહીની માંગ પણ કરીએ છીએ. ચાર સભ્યોની ટીમ પાકિસ્તાન જશે અને ગુરુદ્ધારા પર થયેલા હુમલાના મામલામાં ઉંડી ચકાસણી કરશે. ગઈકાલે કરાયેલા હુમલા બાદથી શિખ સમુદાયના લોકો ભારે નારાજ થયેલા છે.

(8:03 pm IST)