Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

"વિદેશથી કાળુંધન લાવીશું અને બધા ભારતીઓના ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખીશુ" વાળા નિવેદન બદલ

રાંચીની નીચલી અદાલતમાં છેતરામણીના આરોપમાં એક એડવોકેટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ સામે કેસ દાખલ કર્યો : કોર્ટમાં વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ થશે

રાંચી : ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ સામાજિક ન્યાય અને અધિકરિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે વિરુદ્વ ચૂંટણીમાં કરેલા વાયદાઓને લઇને રાંચીની નીચલી અદાલતમાં છેતરામણીના આરોપમાં એક એડવોકેટે કેસ દાખલ કર્યો છે. ડોરંડાના રહેવાસી અને ઝારખંડ હાઇકોર્ટના એડવોકેટ હરેન્દ્રકુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર ગુરુવારે ન્યાયિક મેજિસ્ટ્રેટ અજયકુમાર ગુડિયાની અદાલતમાં સુનવણી કરવામાં આવી હતી. કોર્ટે આ બાબતની સુનાવણી માટે 1 ફેબ્રુઆરીની તારીખ આપી છે. આગળની સુનાવણીના દિવસે ફરિયાદકર્તાના નિવેદન પર શપથ-પત્ર રજૂ કરવામાં આવશે.

                ફરિયાદકર્તાએ પોતાની ફરિયાદ કરતા કહ્યું હતું કે, 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિદેશથી કાળુંધન લાવીશું અને બધા ભારતીઓના ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખીશુ અને દર વર્ષે 3 લાખ નોકરીઓ આપીશુ. આ વાતો ભાજપાના ઘોષણાપત્રમાં પણ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાયદો 7 નવેમ્બર 2013ના રોજ કર્યો હતો. લોકોના ખાતામાં 15-15 લાખ નાખવામાં આવશે એમ કહીને લોકોને છેતરીને બહુમત મેળવ્યો. આ જ વાત ભાજપાના અધ્યક્ષ અમિત શાહે પણ કહી હતી. અમિત શાહે એક ચેનલ પર 5 ફેબ્રુઆરી 2015ના રોજ કહ્યું હતું કે, કાળુધન આવ્યા પછી ભારતીયોને 15-15 લાખ રૂપિયા આપવાની વાત લોકોને કહી હતી અને તેને ચૂંટણીનું ઉદ્દેશ્ય કહ્યું હતું.

                કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પર આરોપ છે કે 18 ડિસેમ્બર 2018ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં કહ્યું હતું કે, કાળુંધન આવ્યા પછી દરેક ભારતીયોને 15-15 લાખ મળશે. ફરિયાદકર્તાએ 21 ડિસેમ્બર 2019ના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા ન્યૂઝ ચેનલ પર કરેલા હસ્તાક્ષરનો પણ સંદર્ભ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે પણ કહ્યું હતું કે તેઓ પોતાના ઘોષણા પત્ર પર અડગ છે અને હવે કાળુધન આવ્યા છતા પણ ભારતીયોને 15-15 લાખ આપવાની વાતથી પાછળ હટી રહી છે. આ ચૂંટણીનો વાયદો પૂરો નથી કરવામાં આવ્યો. 15-15 લાખ રૂપિયા આપવાનું કહીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે.

               ફરિયાદકર્તાનું કહેવું છે કે, માહિતી અધિકાર અધિનિયમ (RTI)ના માધ્યમથી પ્રધાનમંત્રી કાર્યાલયને પૂછવામાં આવ્યુ કે લોકો પાસે 15-15 લાખ રૂપિયા ક્યારે જશે. ત્યારે જવાબમાં ફરિયાદકર્તાને જણાવવામાં આવ્યું હતું કે, આ બાબત RTIમાં નથી આવતી. તેમણે કરેલા વાયદાઓમાં દરેક ભારતીય છેતારમણી કર્યાનો અનુભવ કરે છે. એ લોકો કરેલા વાયદાઓથી પાછળ હટી ગયા છે. હાઇકોર્ટના એડવોકેટ હરેન્દ્રની ફરિયાદ પર કલમ 415, 420 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123 કેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(7:36 pm IST)