Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

આઇયુસી ચાર્જની શરૂઆત છતાં ઓકટોબરમાં ગુજરાત સર્કલમાં જિયોનાં સબસ્ક્રાઇબરમાં વધારોઃ ટ્રાઈ

ઓકટોબરમાં સર્કલમાં જિયોના સબસ્ક્રાઇબરમાં ૪.૨ લાખથી વધારે યુઝર્સ ઉમેરાયા

જામનગર, તા. ૪ : રિલાયન્સ જિયોએ ઓકટોબર, ૨૦૧૯થી ઇન્ટરકનેકટેડ યુઝેજ ચાર્જીસ (આઇયુસી) પેટે મિનિટદીઠ ૬ પૈસા વસૂલવાની શરૂઆત કરી હોવા છતાં ઓકટોબરમાં ગુજરાત સર્કલમાં એના સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારો થયો છે. આ મહિનામાં ગુજરાત સર્કલમાં ટેલીકોમ ઉદ્યોગમાં ૪.૨૦ લાખ યુઝર્સ ઉમેરાયા હતા, ત્યારે જિયોનાં યુઝર્સમાં ૪.૨૩ લાખ યુઝર્સ ઉમેરાયા હતા.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઓકટોબર મહિના માટે જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરનો આંકડો ટૂંક સમયમાં એક વાર ફરી ૭ કરોડને આંબી જશે. ઓકટોબર, ૨૦૧૯ના અંત સુધીમાં ગુજરાત સર્કલમાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા ૬.૯૧ કરોડ હતી.

ગુજરાત સર્કલમાં કાર્યરત ચાર ટેલીકોમ કંપનીઓ – વોડાફોન આઇડિયા, જિયો, એરટેલ અને બીએસએનએલમાં એકમાત્ર વોડાફોન આઇડિયાનાં સબસ્ક્રાઇબરની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. એની સરખામણીમાં અન્ય ત્રણ ઓપરેટરના સબસ્ક્રાઇબરની સંખ્યામાં વધારો થયો હતો.

તેમાં સૌથી વધુ વધારો જિયોના સબસ્ક્રાઇબરમાં થયો છે અને કંપનીનાં સબસ્ક્રાઇબરમાં ૪.૨૩ લાખ યુઝરનો વધારો થયો છે. ત્યારબાદ બીએસએનએલનાં સબસ્ક્રાઇબરમાં ૫,૨૦૩ અને એરટેલનાં સબસ્ક્રાઇબરમાં ૨,૯૩૪નો વધારો થયો છે. ગુજરાતમાં વોડાફોન આઇડિયાના સબસ્ક્રાઇબરમાં ઘટાડો ઓકટોબરમાં પણ જળવાઈ રહ્યો છે. ઓકટોબરમાં વોડાફોન આઇડિયાના મોબાઇલ યુઝરમાં ૧૧,૨૦૫નો ઘટાડો થયો હતો. જોકે ગુજરાત સર્કલમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર તરીકે વોડાફોન આઇડિયાએ સ્થાન જાળવી રાખ્યું છે, જેનાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા ૨.૯૫ કરોડ છે. આ દ્રષ્ટિએ જિયો ૨.૨૫ કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને, ૧.૦૯ સબસ્ક્રાઇબર સાથે એરટેલ ત્રીજા સ્થાને અને ૬૦ લાખ સબસ્ક્રાઇબર સાથે બીએસએનએલ ચોથા સ્થાને છે. આ રીતે ગુજરાત સર્કલમાં કુલ મોબાઇલ યુઝર્સની સંખ્યા ૬.૯૧ કરોડ છે.

રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ઓકટોબરમાં જિયોના સબસ્ક્રાઇબરમાં ૯૧ લાખનો વધારો થયો છે. આ રીતે એક મહિનામાં ૯૦ લાખથી વધારે સબસ્ક્રાઇબરનો ઉમેરો કંપનીએ ત્રીજી વાર અનુભવ્યો છે. કંપનીનાં સબસ્ક્રાઇબરમાં અગાઉ જાન્યુઆરીમાં ૯૩ લાખનો અને ફેબ્રુઆરીમાં ૯૪ લાખનો વધારો થયો હતો. બીજી તરફ એની હરિફ કંપની વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે ભારતમાં અનુક્રમે ૧૮૯,૯૦૧ અને ૮૧,૯૭૪ સબસ્ક્રાઇબર ગુમાવ્યાં હતાં.

ઉપરાંત ઓકટોબરમાં ભારતમાં ટેલીફોન સબસ્ક્રાઇબરની સંખ્યા વધીને ૧૨૦.૪૮ કરોડ થઈ છે, જે સપ્ટેમ્બરમાં ૧૧૯.૫૨ કરોડ હતી, જે માસિક ધોરણે ૦.૮૦ ટકાની વૃદ્ઘિ દર્શાવે છે. શહેરી ટેલીફોન સબસ્ક્રાઇબરની સંખ્યા સપ્ટેમ્બરનાં અંતે ૬૭.૭૯ કરોડ હતી, જે ઓકટોબરનાં અંતે વધીને ૬૮.૧૬ કરોડ થઈ છે. સાથે સાથે ગ્રામીણ સબસ્ક્રાઇબરની સંખ્યા આ જ ગાળામાં ૫૧.૭૨ કરોડથી વધીને ૫૨.૩૧ કરોડ થઈ છે. આ રીતે ઓકટોબરમાં શહેરી અને ગ્રામીણ સબસ્ક્રાઇબરની સંખ્યામાં અનુક્રમે ૦.૫૫ ટકા અને ૧.૧૪ ટકાની વૃદ્ઘિ થઈ છે.

(11:12 am IST)