Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઈરાનના 'જીવંત શહીદ' જનરલ સુલેમાનીનો મોભો સેલિબ્રિટીથી કમ નહોતો : સૈન્યનાયકનો હતો દરજ્જો :નવા કમાન્ડર નિયુક્ત

બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીને કુદ્સ ફોર્સના નવા કમાન્ડર બનાવવાની જાહેરાત

નવી દિલ્હી : ઇરાનના જીવંત શહીદ મનાતા જનરલ સુલેમાની ખુંબ જ લોકપ્રિય હતા ઈરાનમાં જો ટીવી ચાલુ કરો તો એવું ભાગ્યે જ બને કે તમને ઈરાનના એક સૈન્યકમાન્ડરનો ચહેરો જોવા ન મળે. જનરલ કાસિમ સુલેમાનીને ઈરાનમાં એક સૈન્યનાયકનો દરજ્જો પ્રાપ્ત હતો અને ઇરાક તથા સીરિયાની લડાઈમાં તેમની ભૂમિકાને પગલે તેમનો મોભો કોઈ સેલિબ્રિટીથી કમ નહોતો.

ઈરાનના રિવૉલ્યુશન ગાર્ડની એલિટ શાખા 'કુદ્સ ફોર્સ'ના વડા જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અમેરિકાએ કરેલા એક હવાઈ હુમલામાં માર્યા ગયા છે.

જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ મધ્ય-પૂર્વનાં રાષ્ટ્રો સાથે જોડાયેલી બાબતોમાં એક મોટી ઘટના માનવામાં આવે છે અને એવી આશંકા પણ સેવાઈ રહી છે કે ઈરાન અને મધ્ય-પૂર્વમાં તેને સમર્થિત શક્તિઓ હવે ઇઝરાયલ અને અમેરિકા સામે પ્રચંડ જવાબી કાર્યવાહી કરી શકે છે.

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈએ કુદ્સ ફોર્સના નવા કમાન્ડર તરીકે બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીની નિમણૂક કરી છે.

 

અલ જઝિરા'ના જણાવ્યા અનુસાર છેલ્લાં 20 વર્ષમાં પશ્ચિમનાં રાષ્ટ્રો, ઇઝરાયલ અને આરબ જગતની શક્તિઓ દ્વારા સુલેમાનીની હત્યા કરવાના કેટલાય પ્રયાસો કરાયા હતા. જોકે, દર વખતે તેઓ વિરોધી શક્તિઓની આંખમાં ધૂળ નાખવામાં સફળ થયા હતા.

સુલેમાની અંતર્ગત આવતી કુદ્સ ફોર્સનું મુખ્ય કામ વિદેશોમાં સૈન્યઅભિયાનો પાર પાડવાનું હતું. સીરિયામાં વર્ષ 2011થી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં જ્યારે રાષ્ટ્રપતિ બસર અલ-અસદ પરાજયની નજીક હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિને એ સ્થિતિમાં ઉગાર્યા હતા. ઇસ્લામિક સ્ટેટને હરાવવા માટે પણ વિરોધી સૈન્યને સુલેમાનીએ હથિયાર પૂરા પાડ્યાં હતાં.

આયતુલ્લાહએ તેમની સરકારી વેબસાઇટ ઉપર કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના સ્થાને બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીને કુદ્સ ફોર્સના નવા કમાન્ડર બનાવવાની જાહેરાત કરી હતી.

આયતુલ્લાહે વર્ષ 1980 થી 1988 દરમિયાન ઇરાક સામેના યુદ્ધમાં કાનીની કામગીરીને બિરદાવી હતી અને તેમને ઉત્કૃષ્ટ કમાન્ડરોમાંથી એક ગણાવ્યા હતા.

આયતુલ્લાહે લખ્યું છે કે હું કુદ્સ ફોર્સના સભ્યોને આગ્રહ કરું છું કે તેઓ જનરલ કાનીને સહયોગ આપે તથા તેમને શુભકામનાઓ આપે.

આયતુલ્લાહના કહેવા પ્રમાણે, અમેરિકા સામે જેવી નીતિ હતી, તેવી જ રહેશે ને તેમાં રતિભરનો ફેર નહીં આવે.

(9:03 am IST)