Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે

ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટીને વધુ ઘટાડી દેવા પ્રયાસ

નવી દિલ્હી,તા. ૪: નાણામંત્રી અરુણ જેટલી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રેણીબદ્ધ નવી જાહેરાત કરી શકે છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં ખરીદદારો માટે ટેક્સ રાહતોને વધારીને આગળ વધવા મોદી સરકાર ઇચ્છુક છે. સાથે સાથે સરકાર ઇલેક્ટ્રિકવાહનો ઉપર જીએસટીને ઘટાડવાની પણ ઇચ્છા ધરાવે છે. નજીકના સુત્રોએ કહ્યું છે કે, જાહેર ઉપયોગ માટે ૧૦૦ ટકા વિજળીના વાહનો લાવવાની ઇચ્છા સરકારની રહેલી છે. આ દિશામાં પહેલ કરીને ઇલેક્ટ્રીક વાહનો માટે ટેક્સ રાહતો બજેટમાં જાહેર થઇ શકે છે. ૨૦૩૦ સુધી અંગત વપરાશ માટે ૪૦ ટકા ઇલેક્ટ્રીક વાહનો આવી જાય તે માટે પણ ટાર્ગેટ સરકાર ધરાવે છે. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં ઇલેક્ટ્રીક ઉપયોગ માટે શ્રેણીબદ્ધ ટેક્સ રાહતો જાહેર થશે. આને લઇને વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ઇલેક્ટ્રીક વાહનો ઉપર જીએસટીને વધુ ઘટાડી શકાય છે. ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી કરનાર લોકોને ઇન્કમટેક્સમાં પણ રાહત આપવામાં આવશે. સરકાર પાસે અન્ય કેટલાક વિકલ્પો પણ રહેલા છે. આ બજેટ મારફતે ખરીદદારોને ટેક્સ રાહતો આપવામાં આવી રહી છે ત્યારે જીએસટી કાઉન્સિલની મંજુરીની જીએસટી રેટને ઘટાડવા માટે રહેશે નહીં. આ જાહેરાતોના લીધે જીએસટીનો વિરોધ કરી રહેલા લોકોને રાહત મળી શકે છે. હજુ સુધી દેશમાં ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ એક ટકા પણ થયું નથી. કોમર્શિયલ વાહનો સહિત વાહનોના કુલ વેચાણમાં ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ એક ટકા સુધી રહ્યું નથી ત્યારે મોદી સરકાર બજેટમાં આને લઇને નવી પહેલ કરી શકે છે. બજેટને લઇને જુદા જુદા વિભાગો દ્વારા પોત પોતાની રજૂઆત કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં તમામની બાબતો પર વિચારણા જારી છે.

(3:57 pm IST)