Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

૩૮ વર્ષમાં પહેલીવાર મ.પ્રદેશના પોલીસકર્મીઓને મળશે વીકલી ઓફ

પોલીસ બેડામાં છવાઇ ખુશી : રજા મળતા જ પરિવાર સાથે ફરવા નીકળી પડયાઃ કોંગ્રેસ સરકારમાં આવતા જ વચન પાળ્યું આપી સાપ્તાહિક રજા

ભોપાલ તા. ૪ : મધ્યપ્રદેશ પોલીસના જવાનોના ચહેરા પર જે ખુશી આજકાલ જોવા મળી રહી છે તેની પાછળનું રહસ્ય તેમને મળેલી સાપ્તાહીક રજા છે. હવે જો તમને એમ થશે કે આ તો શું નવું છે અઠવાડિયામાં એક રજા તો દરેકને મળે જ છે. પરંતુ જાણીને આશ્યર્ય થશે કે મધ્યપ્રદેશ પોલીસને પાછલા ૨-૫ વર્ષથી નહીં પણ પૂરા ૩૮ વર્ષથી એક પણ સાપ્તાહિક રજા મળી નથી અને તેમાં પણ આ રજા ફરજીયાત સાપ્તાહિક રજા તરીકે આપવામાં આવી હતી. રાજયમાં કોંગ્રેસ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને સરકાર બન્યાના ત્રણ જ સપ્તાહમાં તેનો અમલ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ પોલીસમાં સ્થિતિ એવી હતી કે ટોપથી લઈને નીચે સુધી તમામ પોલીસ જવાનો અને અધિકારીઓ સપ્તાહના સાતેય દિવસ કામ કરતા હતા. પરંતુ જયારે નવા વર્ષના બે દિવસ બાદ રાજય સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરીને દરેક જવાનને ફરજીયાત એક સાપ્તાહિક રજા આપવામાં આવી ત્યારે ગુરુવારે જેમને પણ રજા મળી તેવા તમામ પોલીસ જવાનો પોતાના પરિવાર સાથે બહાર ફરવા નીકળી પડ્યા હતા. આ પોલીસ જવાનોમાં રજાનો ઉત્સાહ એટલો બધો હતો કે તેમના બાળકોની સ્કૂલમાં ચાલુ દિવસ હોવા છતા રજા મૂકાવીને પણ તેમણે પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી નાખ્યો હતો.

આવા જ એક પોલીસ જવાન મિશ્રા(૫૬) જેમનું પોસ્ટિંગ હબિબગંજ પોલીસ સ્ટેશનમાં છે તેમણે કહ્યું કે, 'રજાનો આ અનુભવ ખૂબ જ આનંદદાયક છે. હું મારા પરિવાર સાથે આખો દિવસ રહ્યો હતો અને જેટલું બની શકે તેટલું ઘરનું પેન્ડિંગ કામ પુરુ કરવા પ્રયાસ કર્યો હતો. આ એવો અનુભવ હતો કે જાણે મને પહેલું વેકેશન મળ્યું હોય. હું પોલીસમાં ૧૯૮૧માં જોડાયો હતો જે બાદ મને પહેલીવાર સાપ્તાહિક રજા મળી છે.' તેમણે જણાવ્યું કે, 'આ રજાના કારણે અમારી નોકરીમાં થતો માનસિક તણાવ દૂર થાય છે. આજે આખો પરિવાર મારી સાથે હતો. મારા દીકરા તો મોટા થઈ ગયા છે અને તેમના લગ્ન પણ થઈ ગયા છે ત્યારે બધા જ આખો દિવસ સાથે રહેતા મને લાગ્યું હતું કે આજે પરિવાર ભેગો થયો છે.' એકલા મિશ્રા જ નહીં આવા અનેક પોલીસ જવાન છે જેમણે સાપ્તાહિક રજાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. બૈરાગઢમાં ASIના પદ પર નિયુકત રાકેશ શર્માએ પણ કહ્યું કે, 'કેટલાય વર્ષો પછી હું રિલેકસ ફીલ કરી રહ્યો છું. મારે બે બાળકો છે અને રજાના દિવસે અમે મારા પૈતૃક ગામ નરસિંહગઢ ગયા અને શુક્રવારે પરત ફરીશું. પહેલા તો અમારે સવારે ૧૦ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી જવું પડતું હતું અને રાતે મધરાત સુધી ઓન ડ્યુટી રહેવું પડતું હતું.'

તો ટીટી નગર ખાતે ફરજ બજાવતા SI મનોજ દવેએ કહ્યું કે, 'આર્મીમાંથી રિટાયર્ડ થઈને મે પોલીસમાં જોઇન કર્યું હતું પરંતુ અહીં પણ સ્થિતિ એકમદ સેમ જ હતી. ઘણાવર્ષો પછી એવો દિવસ આવ્યો છે કે જયારે હું પરિવાર સાથે કોઈ દિવસ શાંતિથી પસાર કરી શકું છું.' ભોપાલના DIG ધર્મેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, 'જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નિયુકત ૪૨૫ જેટલા જવાનોને ગુરુવારે સાપ્તાહિક રજા આપવામાં આવી હતી.'(૨૧.૧૩)

(11:37 am IST)