Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અર્થતંત્ર કે 'બુરે દિન' : ઘરેલુ નિવેશ ૧૪ વર્ષના તળિયે

દેશના અર્થતંત્રમાં ઝડપ આવશે એવી આશા રાખનારાઓને આંચકો : દેશમાં નવુ નિવેશ ડિસેમ્બરના ત્રિ-માસિક ગાળામાં ૧૪ વર્ષના નીચલા સ્તરેઃ ભારતીય કંપનીઓએ ડિસેમ્બરના ગાળામાં ૧ લાખ કરોડના પ્રોજેકટની જાહેરાત કરી જે સપ્ટેમ્બરના ગાળા કરતા ૫૩ ટકા ઓછા અને ગત વર્ષની તુલનામાં ૫૫ ટકા ઓછી છે

નવી દિલ્હી તા. ૪ : વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં દેશની અર્થવ્યવસ્થા દુનિયાની ટોચની પાંચ ઈકોનોમીમાં સુમાર થઇ શકે છે, જો કે આ પહેલા જ અર્થવ્યવસ્થા સામે કાળા વાદળો છવાઈ ગયા હોઈ તેવું લાગી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. સપ્ટેમ્બરની તુલનામાં ડિસેમ્બર ત્રિમાસીક ગાળામાં નવી પરિયોજનાઓની જાહેરાતમાં ૫૩ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે રોજગારીની નવી તકો પર પણ પ્રતિકૂળ અસર પડી છે.

વર્ષ ૨૦૧૪માં જયારે પૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી હતી. તો જનતાની સાથે ઉદ્યોગ જગતમાં એક નવી આશા જન્મી હતી. મનમોહન સિંહની સરકાર પર પોલિસી પેરાલિસિસ (નીતિગત નિર્ણય લેવામાં અક્ષમતા) હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

દેશની આર્થિક સ્થિતિને લઈને  સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડો પરથી દેશની અર્થવ્યવસ્થાને લઈને અત્યંત નિરાશાજનક તસવીર સામે આવી છે.

સમાપ્ત થયેલા ડિસેમ્બર ત્રિમાસિક ગાળા (નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯) માં રોકાણથી લઈને નવી પરિયોજનાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. અને આ આંકડા છેલ્લા ૧૪ વર્ષના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયાં છે. ભારતીય કંપનીઓ (સરકારી અને ખાનગી) દ્વારા ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એક લાખ કરોડ રૂપિયાના પ્રોજેકટની ઘોષણા કરી હતી. આ આંકડો સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિક ગાળાની તુલનામાં ૫૩ ટકા ઓછો છે જયારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૫૫ ટકા ઓછો છે.

માર્ચમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીઓએ ૪ લાખ કરોડની નવી પરિયોજનાઓની જાહેરાત કરી હતી. આ આંકડો જૂનમાં ૨.૯૫ લાખ કરોડ અને સપ્ટેમ્બરમાં ૨.૧૨ લાખ કરોડ પર આવી ગયો હતો.

જૂન ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચેના આંકડાઓની વાત કરીએ તો, ડિસેમ્બર ૨૦૧૪માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ૬.૪ લાખ કરોડની નવી પરિયોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. દિલચસ્પ વાત એ છે કે, ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા હતાં, અને ૨૦૧૮ના અંતમાં એક વાર ફરી લોકોની વચ્ચે જવાની તૈયારીમાં છે.

નવી પરિયોજનાઓની જાહેરાત અને રોકાણ મામલે સરકારી અને ખાનગી બંન્ને ક્ષેત્રની કંપનીઓની હાલત લગભગ એક સમાન છે. CMIEના આંકડાઓ અનુસાર ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં સપ્ટેમ્બરની તુલનામાં નવી પરિયોજનાઓની જાહેરાતમાં ૬૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

તો બીજી તરફ સરકારી ક્ષેત્રમાં પણ નવા રોકાણને લઈને સુસ્તીનું વાતાવરણ છે. હાલમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં સરકારી કંપનીએ અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ પરિયોજનાઓની જાહેરાતમાં ૩૭ ટકાનો ઘટાડો નોંઘાયો છે. સરેરાશ દરેક સેકટરમાં નવી યોજનાઓની જાહેરાતમાં ઘટાડો નોંધાયો છે.

CMIEના આંકડા અનુસાર સૌથી વધુ પાવર અને મેન્યુફેકચરિંગ સેકટર પ્રભાવિત થયા છે. તેમનું સૌથી મોટું કારણ છે ફંડની અછત. નાણાં ન હોવાને કારણે કેટલીક પરિયોજનાઓનું અધવચ્ચે જ કામ અટકી ગયું છે. ઉપરાંત એનપીએના મામલે આરબીઆઈના સખ્ત વલણથી બેંકો પણ હવે લોન આપવામાં વધુ સાવધાની રાખી રહી છે.

નવી પરિયોજના અને રોકણમાં ઘટાડાની સીધી અસર રોજગારી અને નવી તકો પર પડે છે. ઉદ્યોગ ધંધાની ગતી મંદ પડતા રોજગારની નવી પર પ્રતિકુળ અસર પડે છે. કંપનીઓ દ્વારા નવી પરિયોજનાઓની જાહેરાતમાં મોટા પ્રમાણમાં ઘટાડાની અસર રોજગાર સૃજન પર પણ જોવા મળી રહી છે.

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષની સપ્ટેમ્બર મહિનાની તુલનામાં ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં સરકારી પરિયોજનાઓમાં પણ ઘટાડો થયો છે. ડિસેમ્બર મહિનાના હાલના રોકાણની તુલનામાં ગત ત્રિમાસિક ગાળા કરતા ૩૭ ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો ડિસેમ્બર ૨૦૦૪પછી સૌથી નીચલા સ્તરે છે.

બેડ લોનમાં સતત વધારો, ચૂંટણી પહેલા નીતિઓની અનિશ્ચિતતાઓમાં વધારો અને પહેલાથી જ લટકેલી પરિયોજનાઓને આગળ વધારવા માટે થયેલા નહિવત સુધારાના કારણે ભારતીય ઉદ્યોગોમાં ઘટાડો થયો છે.(૨૧.૩)

(10:16 am IST)