Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

આખરે રાજકોટના ફાળે થઈ AIIMS : ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત : મોદી સરકારે ગુજરાતને વધુ એક મોટી ભેંટ આપતા સૌરાષ્ટ્ર - કચ્છના દર્દીઓને થશે ફાયદો : થોડા દિવસો પહેલા અકીલાએ બહાર પાડેલા સમાચાર અક્ષરસ:હ સાચ્ચા ઠર્યા : : ૧૨૦૦ કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર - કચ્છને મળશે અતિ આધુનિક હોસ્પિટલ

એમ્સ હોસ્પિટલની સ્થાપના કરવા ગુજરાત ૧૨૦ એકર જમીન વિનામુલ્યે આપશે : ૧૦૦૦ પથારીની સુવિધા રહેશે : ગંભીર પ્રકારના રોગોની થશે સારવાર

રાજકોટ, તા. ૩ : છેલ્લા ઘણા ટાઈમથી રાજકોટને એઈમ્સ મળવા અંગે થતી હા - ના, હા - ના વચ્ચે અંતે સૌપ્રથમ 'અકિલા'એ આપેલ સમાચારને આજે સત્તાવાર સમર્થન મળ્યુ છે અને રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે સૌરાષ્ટ્રની જનતા આનંદવિભોર થઈ જાય તેવી જાહેરાત કરી જણાવ્યું છે કે, રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ આકાર લેશે.

સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એઈમ્સ આપીને સૌરાષ્ટ્રભરના લોકોને તેમના તરફથી અત્યાર સુધીમાં મળેલી અમૂલ્ય ભેટમાં સૌથી મહત્વની ભેટ આપી છે.

રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે અતિઆધુનિક સારવારથી સુવિધા સંપન્ન એમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવશે. આજે આ અંગેની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને વધુ એક મોટી ભેંટ આપવામાં આવી છે. એમ્સ હોસ્પિટલની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિના મૂલ્ય આપવામાં આવશે. તબીબી શિક્ષણ, તબીબી સંસાધનો સાથે ૮૦૦થી ૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. ગંભીર પ્રકારના રોગોમાં સારવાર ઘરઆંગણે જ દર્દીઓને સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલીટી પ્રકારની સુવિધા મળશે. 

છેલ્લા ઘણા સમયથી જેની અપેક્ષાસહ રાહ જોવાતી હતી તે રાજકોટને અડીને આવેલા ખંઢેરીમાં એઈમ્સની મંજુરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્ધારા એઈમ્સની અપાયેલી મંજુરી અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારના ખર્ચે રાજકોટમાં એઇમ્સનું નિર્માણ કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકાર સંયુકત સહકાર આપશે. 

રાજકોટને એઈમ્સ મળતા હવે સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી લાંબુ થવું પડશે નહિ. ખાસ કરીને ગંભીર માંદગી કે બિમારીને લઇ દિલ્હી કે દૂરના શહેરોમાં નહી જવું પડે. એઇમ્સના કારણે હવે ગંભીરમાં ગંભીર અને ખર્ચાળ માંદગી કે બિમારીઓની સારવાર સરળતાથી અને સસ્તા દરે ઉપલબ્ધ બનશે, જેને લઇ સમગ્ર સૌરાષ્ટ્વાસીઓમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. 

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંદાજે રૂપિયા ૧૨૫૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની બનનારી આ એઈમ્સનું કામ આગામી ચાર વર્ષમાં પુરૂ કરવામાં આવશે. રોજના ૧૫૦૦થી વધુ દર્દીઓની તપાસ અને સારવાર એઇમ્સમાં શકય બનશે. દર્દીઓને હવે અસરકારક, ઝડપી અને અદ્યતન સારવાર ઉપલબ્ધ બનશે. રાજકોટની આ એઇમ્સમાં સ્વાભાવિક રીતે જ મેડિકલ કોલેજ પણ હશે. એઇમ્સના કારણે રોજગારીની વિપુલ તકો ઉભી થશે, સાથે સાથે મેડિકલ અને સર્જિકલની નવી ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે. એઇમ્સના આસપાસના ૫૦ કિલોમીટરથી વધુના વિસ્તારમાં રોડ, પાણી અને વીજળીની અસરકારક સુવિધા ઉપલબ્ધ બનાવાશે. 

ગુજરાત રાજ્યમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માટે ઘણા સમયથી માંગ સાથે વિવાદ પણ રહ્યો હતો. જેમાં વડોદરા અને રાજકોટનાં સ્થળ વિવાદ સહીત જસદણની પેટાચૂંટણી વખતે પણ જાહેરાતનો વિવાદ થયો હતો. આમ છતાં વર્ષો બાદ સૌરાષ્ટ્રવાસીઓની માંગ સંતોષાતા રાજકોટમાં એઈમ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્ધારા વિધિવત્ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રોજેક્ટને મંજુરી પણ આપી દીધી છે.  

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે ૨૦૦ એકર જમીનમાં એઈમ્સ બનાવવામાં આવશે. અંદાજે રૂપિયા ૧૨૫૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની બનનારી આ એઈમ્સનું કામ આગામી ચાર વર્ષમાં પુરૂ કરવામાં આવશે. જેમાં એઈમ્સ માટેનું કામકાજ આગામી ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. 

આ એઈમ્સમાં નવી મેડીકલ કોલેજ શરૂ થવા સાથે નવા તબીબોની તબીબી સેવાઓ પણ મળશે. આ એઈમ્સમાં ૨૦ સુપર સ્પેશ્યાલીટી વિભાગો સાથે દરેક પ્રકારના રોગોમાં સારવાર સહીત ઓપરેશનનો પણ થઇ શકાશે. આ એઈમ્સમાં બનનારી નવી મેડીકલ કોલેજમાં એમબીબીએસની ૧૦૦ તેમજ બીએસસી-ર્નસિંગની ૬૦ બેઠકો મળશે. જયારે ૭૫૦ બેડ સાથે ૧૫૦૦ દર્દીઓની ઓપીડીનો દર્દીઓને લાભ મળશે. એઈમ્સમાં ન્યૂરોસર્જરી, એન્જીયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, બાયપાસ, ની રીપ્લેસમેન્ટ, પેડીયાટ્રીક સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી જેવી આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આ એઈમ્સના કારણે સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લાના દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છ જીલ્લાનો સમાવેશ થાય છે. એઇમ્સની લીલીઝંડીને લઇ સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ અને તેની આસપાસના પંથકોના પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.

(8:39 pm IST)