Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

Omicron સામે અન્ય રસીઓ કરતા Covaxin વધુ અસરકારક

અધિકારીએ ઉમેર્યુ કે, અમે ધારીએ છીએ કે કોવેકિસન સુરક્ષા પૂરી પડશે : કોવેકિસન, એક વિરિયન-નિષ્ક્રિય રસી સમગ્ર વાયરસને આવરી લે છે અને આ અત્યંત પરિવર્તનશીલ એવા નવા વેરિઅન્ટ સામે કામ કરી શકે છે

નવી દિલ્હી,તા.૩: ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કોવેક્સિન અત્યંત પરિવર્તનશીલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સામે વધુ કારગત નીવડી શકે છે તેવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધિકારીએ જણાવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે અન્ય ઉપલબ્ધ કોરોના વેક્સીનની સરખામણીએ કોવેક્સિન વધુ અસરકારક બની શકે છે. તેમણે કહ્યું કે, કોવેક્સિન, એક વિરિયન-નિષ્ક્રિય રસી 'સમગ્ર વાયરસને આવરી લે છે અને આ અત્યંત પરિવર્તનશીલ એવા નવા વેરિઅન્ટ સામે કામ કરી શકે છે. (વિરિયનને વાયરસના ચેપી સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. તે યજમાન કોષની બાહ્ય સપાટી પર રહે છે.) અન્ય એક ICMR અધિકારીએ જણાવ્યું કે, કોવેક્સિન આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરકારક સાબિત થઈ છે એટલે આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે તે નવા ઓમિક્રોન વેરિઅન્ટનો મુકાબલો પણ કરી શકશે. જોકે, તેમણે ચેતવણી આપી કે જ્યાં સુધી વધુ સેમ્પલનું પરીક્ષણ ન થાય ત્યાં સુધી આ વાત સુનિશ્ચિત ન થઈ શકે.

અધિકારીએ ઉમેર્યું કે, અમે ધારીએ છીએ કે કોવેક્સિન સુરક્ષા પૂરી પડશે. એક વખત સેમ્પલ મળવાના શરુ થઈ ગયા બાદ અમે પુણેમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી ખાતે વેક્સિનની અસરકારકતાની ચકાસણી કરશું. અહેવાલમાં કંપનીના એક સોર્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ રસી વુહાનમાં શોધાયેલ ઓરિજનલ વેરિઅન્ટ વિરુદ્ધ બનાવવામાં આવી હતી અને તેણે દર્શાવ્યું છે કે તે અન્ય વેરિઅન્ટ સામે કામ કરી શકે છે.લ્લ હજુ સંશોધન ચાલુ છે. વોકહાર્ટ હોસ્પિટલના કેદાર તોરસકરે પણ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે, કારણ કે કોવેક્સિન માત્ર સ્પાઇક પ્રોટીન જેમ કે mRNA (મોડેર્ના, ફાઇઝર) અને એડેનોવેક્ટર રસીઓ (સ્પુટનિક, એસ્ટ્રાઝેનેકા)ને બદલે તમામ એન્ટિજેન્સ અને એપિટોપ્સને આવરી લે છે, 'તે ઓમિક્રોન સામે વધુ સારી સુરક્ષા આપી શકે છે, પરંતુ તે માટે વધુ સંશોધન અને પરીક્ષણની જરૂર પડશે. AIIMSના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ અગાઉ જણાવ્યું હતું કે સ્પાઇક પ્રોટીન રિજનમાં ઓમિક્રોનમાં ૩૦થી વધુ મ્યુટેશન છે, જે તેને રોગપ્રતિકારક એસ્કેપ મિકેનિઝમ વિકસાવવાની ક્ષમતા આપે છે, અને રસીની અસરકારકતાનું મૂલ્યાંકન કાળજીપૂર્વક કરવું આવશ્યક છે. કેમકે મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવે છે, સ્પાઇક પ્રોટીન રિજનમાં ઘણા મ્યુટેશન કોવિડ-૧૯ રસીની અસરકારકતામાં ઘટાડો લાવે છે,* ગુલેરિયાએ પીટીઆઈને જણાવ્યું.

(3:45 pm IST)