Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

દિલ્હી સરકાર પર એનજીટી દ્વારા ૨૫ કરોડનો દંડ કરાયો

પ્રદુષણને રોકવામાં નિષ્ફળતા બદલ દંડ કરાયો : દંડની રકમ દિલ્હી સરકારમાં અધિકારીઓના પગારમાંથી કપાશે : પર્યાવરણને નુકસાન કરનારને પણ દંડ ફટકારાશે

નવી દિલ્હી, તા.૩ : દિલ્હીની ઝેરી હવા ઉપર અંકુશ મુકવામાં નિષ્ફળતા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી સરકાર ઉપર ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો છે. દંડની રકમ દિલ્હી સરકારમાં અધિકારીઓના પગારમાંથી કાપવામાં આવશે. પર્યાવરણને નુકસાન પહોંચાડનાર લોકો પાસેથી પણ દંડ વસુલ કરવામાં આવશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દંડ ફટકારતા કહ્યું છે કે જો દિલ્હી સરકાર દંડની રકમ ચુકવશે નહીં તો તેને દર મહિને ૧૦ કરોડ રૂપિયા અલગથી આપવાની જરૂર પડશે. એનજીટીની પાસે દિલ્હીમાં પ્રદુષણને લઈને અનેક અરજીઓ પહોંચી ચુકી છે. જેના ઉપર સુનાવણી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં જુદી જુદી જગ્યાઓ ઉપર કચરાને સળગાવવા અને અન્ય પ્રકારની ઓપન બર્નિંગના મામલા સપાટી ઉપર આવ્યા છે. આવી સ્થિતિમાં એનજીટી તરફથી આ કઠોર નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદુષણને રોકવામાં નિષ્ફળતા બદલ ફટકારવામાં આવેલા દંડને લઈને દિલ્હી સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ પ્રદુષણનો મામલો માત્ર દિલ્હીમાં જ નહીં બલ્કે દેશના અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક છે. પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં એનજીટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને તમામનું ધ્યાન ખેંચાયું છે. એનજીટીનું કહેવું છે કે જુદી જુદી જગ્યા પર કચરાને સળગાવવાના પરિણામ સ્વરૂપે તેની માઠી અસર થઈ રહી છે. આનાથી પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં પણ આની અસર વધતા લોકોની પરેશાની વધી રહી છે.

(10:12 pm IST)