Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં ૪ની ધરપકડ : ૩ને સસ્પેન્ડ કરાયા

પેપર દિલ્હીથી લીક કરાયું હોવાનો પોલીસ દ્વારા દાવો કરાયો : આરોપીઓમાં ભાજપના બે અગ્રણી અને એક પીએસઆઇનો પણ સમાવેશ ગાંધીનગરની એક હોસ્ટેલની મહિલા પણ સામેલ છે : મુખ્ય સૂત્રધાર પલાયન

અમદાવાદ,તા.૩ : ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા ગઇકાલે રદ કર્યા બાદ રાજયભરના પોણા નવ લાખ જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો રઝળી પડયા હતા અને ભયંકર હાલાકી અને હતાશાનો ભોગ બન્યા હતા. આ સમગ્ર કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત રાજયભરમાં પડયા હતા. બીજીબાજુ, પોલીસે આ ખૂબજ ચકચારભર્યા પ્રકરણમાં એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  જેમાં ભાજપના બે અગ્રણી મનહર પટેલ અને મુકેશ ચૌધરીની સંડોવણી સામે આવતાં ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા. તો, આ કૌભાંડમાં ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની મહિલા રેકટર રૂપલ શર્માનું નામ ખુલતાં પોલીસે આ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક અંગે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકાવનારા ખુલાસા મીડિયા સમક્ષ કર્યા હતા. આ પ્રકરણમાં સંડોવણી બહાર આવતાં પીએસઆઇ પી.વી.પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. બીજીબાજુ, ભાજપ દ્વારા બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમણે ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક દિલ્હીથી થયુ ંહોવાનો દાવો કર્યો હતો અને આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, યશપાલસિંહ અને દિલ્હીથી તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખ અમે કરી લીધી છે પરંતુ તેમની ધરપકડ બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સમગ્ર કૌભાંડનું વિગતવાર વિવરણ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્માએ પોલીસ ભરતી બોર્ડના પીએસઆઇ ભરત બોરાણાને વોટ્સઅપ મેસેજ કરી લોકરક્ષક દળના પેપરના આ જવાબો સાચા છે એમ પૂછયું હતું. જેથી બોરાણાએ મેસેજમાં જવાબ આપ્યો હતો, તેમને કંઇ ખબર નથી. એ પછી તેમણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ટેલિફોનિક માહિતી આપી હતી કે જવાબોની ચિટ્ઠી તેમને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસેથી મળી છે. જેમા રૂપલ શર્માએ બોરાણા વોટ્સઅપ કર્યો હતો અને વેરિફાઈ કરવાનું કહ્યું હતું. વિકાસ સહાયે તેમને તાત્કાલિક એ મેસેજ વોટ્સએપ કરવા કહ્યું હતું. બોરાણાએ ચેરમેન વિકાસ સહાયને વોટ્સઅપ કરતાં તેમણે જવાબો ચકાસતાં મોટાભાગના જવાબો પૂછાયેલા પેપરના જ હતા અને વાત ખબર પડી કે, લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થઇ ગયુ છે, જેથી જેન્યુઇન અને ખરી મહેનત કરનારા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપલ શર્મા સાથે આ પ્રકરણમાં બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયત ભાજપનો સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલ પણ સામેલ હતા અને તેઓને  જયેશ નામના વ્યક્તિએ પરીક્ષાના દિવસે જ સવારે હસ્તલિખિત જવાબો આપ્યા હતા. જયેશને મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ મારફતે જવાબો પહોંચાડવામાં આવ્યા હતા. મનહર પટેલના કહેવા મુજબ,  યશપાલસિંહ સાથે સોદો થયો હતો કે દરેક ઉમેદવારને રૂ.૫ લાખમાં પેપર વહેંચાશે. મનહર પટેલે યશપાલસિંહને એમ પણ કહ્યું હતું કે જો પેપર વહેલા મળી જાય તો વધુ ફાયદો થશે. પરંતુ યશપાલસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે, તેની પાસે તા.૧લી ડિસેમ્બરની રાત્રે જ પેપર આવી જશે, તે પહેલાં નહી. તે મુજબ યશપાલસિંહ દિલ્હી ગયો હતો અને ત્યાંથી પેપર-જવાબો લઇ ફલાઇટ મારફતે સીધો વડોદરા આવ્યો હતો. હવે પોલીસે મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સહિત દિલ્હીથી પેપર લીક કરનારા મુખ્ય કાવતરાખોરોને પકડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પેપર લીક કાંડના સોદાગરો

મનહરનું નામ ટેટ પેપર લીકમાં આવી ચુકયું છે

અમદાવાદ,તા.૩ : રાજ્યમાં લોક રક્ષકદળ(એલઆરડી)ની પરીક્ષાનું પેપર લીક કરવાના ચકચારભર્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની ભૂમિકા અને પરિચય સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે, ચારે ચાર આરોપીઓ કોઇકને કોઇક સારા હોદ્દા અને પ્રતિષ્ઠા ધરાવતા હતા પરંતુ અંગત સ્વાર્થમાં અને શોર્ટ કર્ટ અપનાવી પાસ થવાની લાલચમાં બધા ફસાઇ ગયા હતા અને કેટલાય લોકોની જીંદગી બરબાદ કરી નાંખી છે. જે ચાર આરોપીઓ ધરપકડ કરાયા છે, તેમાં મુકેશ ચૌધરી અને રૂપલ શર્મા પોતે લોકરક્ષક દળના ઉમેદવાર હતા તો, પીએસઆઇ પી.વી.પટેલ તેના બે સગાને મદદ કરવા માટે પેપરના જવાબો મેળવવામાં પોતે ફસાઇ ગયા હતા. જયારે પેપર લીક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કે જે દિલ્હીથી પેપર અને જવાબો લઇને ફલાઇટમાં વડોદરા આવ્યો હતો, તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે, પોલીસ તેને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેશે તેવો દાવો કર્યો હતો.

આરોપી મનહર પટેલ

આરોપી મનહર પટેલનું નામ ટાટની પરીક્ષાનું પેપર લીક કરવામાં પણ આવી ચૂકયું છે. અરજણ વાવ ગામનો રહેવાસી મનહર રણછોડભાઈ પટેલ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે. તેને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ધરોબો હોવાનું પણ કહેવામાં આવે છે. પેપરલીકમાં નામ ખુલતાં જ મનહર પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

આરોપી મુકેશ ચૌધરી

મુકેશ વડગામ તાલુકા પંચાયત ભાજપનો સભ્ય છે. આ કેસમાં બનાસકાંઠાના એડરણાના મુકેશ મૂળજી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચૌધરી ભાજપના નેતા છે. પેપરલીક કૌભાંડમાં નામ આવતાં ભાજપ દ્વારા મુકેશ પટેલને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

આરોપી રૂપલ શર્મા

આરોપી રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. લોકરક્ષક દળની પરીક્ષામાં તે પણ ઉમેદવાર હતી અને તેણીએ પોતાના માટે જ આ પેપરના જવાબો લીધા હતા. રૂપલ શર્માએ તેની હોસ્ટેલ પર અન્ય વિદ્યાર્થીઓને બોલાવી જવાબો વહેંચવાની વાત કરી હતી.

આરોપી યશપાલસિંહ સોલંકી

યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન(વીએમસી)ના સેનેટરી વિભાગમાં કામ કરે છે. લુણાવાડાના છાપરી મુવાડ ગામનો રહેવાસી યશપાલસિંહ સોલંકી વીએમસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. તેણે જ આ પેપર લીક કર્યું હતું. પેપરના જવાબો તે દિલ્હીથી લઈને આવ્યો હતો અને આ પેપર તેણે રૂ. પાંચ લાખમાં વેચ્યું હતું. માત્ર એટલું જ નહીં, મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી. મનહર પટેલ મારફતે જ ચેઇન આગળ ચાલી હતી.

આરોપી પી.વી.પટેલ

આરોપી પીએસઆઇ પી.વી.પટેલ ડીએસપી ઓફિસમાં કામ કરે છે. પી.વી. પટેલ વાયરલેસ પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. તે આ પહેલા પોલીસ ભવનમાં નોકરી કરતો હતો અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ નિભાવી ચૂક્યો છે. હાલ તે ડીએસપી ઓફિસમાં કામ કરે છે.  પીએસઆઇ પી.વી.પટેલે તેમના બે સગાને મદદ કરવા માટે જવાબો મંગાવ્યા હતા અને તે મનહર પટેલના સંપર્કમાં પહેલેથી હતા. આ કૌભાંડમાં તેમનું નામ ખુલતાં ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ તેમને તાત્કાલિક અસરથી પીએસઆઇના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

(7:37 pm IST)