Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

બ્લેકમની : બે ભારતીય કંપનીઓની પોલ ખોલશે સ્વિટ્ઝર્લેન્ડ

બે કંપનીઓ વિશે આપશે જાણકારી : રજૂ કરશે ફાઇનાન્શિયલ પુરાવાઓ

નવી દિલ્હી તા. ૩ : બ્લેકમની રાખનાર માટે સુરક્ષિત સ્થળ માનવામાં આવતું સ્વિટ્ઝર્લેન્ડ પોતાની છબીને સુધારવા ઈચ્છે છે. સ્વિટ્ઝર્લેન્ડ, બે કંપનીઓ અને ત્રણ લોકો વિશે ભારતીય એજન્સીઓને જાણકારી આપવા માટે રાજી થયું છે. આ કંપનીઓ અને લોકો વિરૂદ્ઘ ભારતમાં અનેક તપાસ ચાલી રહી છે.

બન્ને ભારતીય કંપનીઓમાંથી એક લિસ્ટેડ કંપની છે અને અનેક ઉલ્લંઘનોના મામલે બજાર નિયામક સેબીના કડક જાપ્તાનો સામનો કરી રહી છે. જયારે બીજી કંપનીનો સંબંધ તામિલનાડુના કેટલાક રાજનેતાઓ સાથે હોવાનું કહેવામાં આવે છે. સ્વિસ સરકારના ગેઝેટેડ નોટિફિકેશન અનુસાર સ્વિસ સરકારની ફેડરલ ટેકસ ડિપાર્ટમેન્ટ જિયોડેસિક લિમિટેડ અને આધી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ વિશે કરેલી વિનંતી પર ભારતને 'વહીવટી સહાયતા' આપવા માટે રાજી થઈ ગયું છે.

જિયોડેસિક લિમિટેડ સાથે જોડાયેલા ત્રણ વ્યકિત, પંકજ કુમાર, ઓંકાર શ્રીવાસ્તવ, પ્રશાંત, શરદ મુલેકર અને કિરણ કુલકર્ણી મામલે વિભાગે આ વિનંતી પર સહમતિ દર્શાવી છે. સ્વિસ સરકારે બન્ને કંપનીઓ અને ત્રણે વ્યકિતઓ વિશે ભારતીય એજન્સીઓ દ્વારા માગવામાં આવેલી જાણકારી અને મદદથી જોડાયેલા વિશેષ વિવરણોનો ખુલાસો નથી કર્યો.

આ રીતની 'વહિવટી મદદ'માં ફાઈનાન્શિયલ અને ટેકસ સંબંધિત ગડબડના પુરાવાઓ રજૂ કરવાના હોય છે. બેંક ખાતા અને અન્ય ફાઈનાન્શિયલ જાણકારીઓનો પણ સમાવેશ થાય છે. સંબંધિત કંપનીઓ અને લોકો ભારતને વહિવટી સહાય કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડના ફેડરલ ટેકસ એડમિનિસ્ટ્રેશનના નિર્ણય વિરૂદ્ઘ અરજી દાખલ કરી શકે છે.

નવી ટેકનોલોજી સોલ્યુશન ઉપલબ્ધ કરાવતી જિયોડેસિક લિમિટેડની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી. આ કંપનીની અત્યારે ન તો વેબસાઈટ છે અને ન તો લિસ્ટેડ છે. કારણકે શેરબજારે તેના કારોબાર પર અંકુશ લગાવ્યો છે. કંપની અને તેના ડિરેકટર્સને સેબીની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેકટર અને મુંબઈ પોલીસ ક્રાઈમબ્રાંચની તપાસનો સામનો કરી રહી છે. બીજી બાજુ આધી એન્ટરપ્રાઈઝ લિમિટેડની સ્થાપના ચેન્નાઈમાં ૨૦૧૪માં થઈ હતી. કંપનીના રિયલ એસ્ટેટ અને અન્ય કારોબારમાં ઝડપથી વૃદ્ઘિ જોવા મળી હતી પરંતુ કથિત મની લોન્ડ્રીંગ મામલે કંપનીની મુશ્કેલીઓ શરુ થઈ હતી.(૨૧.૫)

(9:57 am IST)